!!ભલે સંતો ના પાડતાં,,કામ અને ક્રોધ આવશ્યક છે!!

 !!ભલે સંતો ના પાડતાં,,કામ અને ક્રોધ આવશ્યક છે!!        
         
        *ભગવાન કે કુદરત જે કઈ વસ્તુ સમસ્ત સજીવ  જગત ની અંદર મુકે છે,તે જરૂરી હોય ત્યારે જ મુકે છે.વણ જોઈતું કશું મુકે તેવો એ મૂરખ નથી.તમે શ્વાસ લીધા વગર કેટલું જીવી શકો?તમે ખોરાક લીધા વગર કેટલું જીવી શકો?કે પાણી પીધા વગર પણ કેટલું જીવી શકો?આ થઇ તરત ની જરૂરિયાતો.પણ ઘણી એવી જરૂરિયાતો છે,જે લાંબા ગાળાની યોજનાઓ છે.એના વગર કોઈ સજીવ ને ચાલતું નથી.જો ચાલી શકતું હોય તો ભગવાન મુકે જ નહિ.
       
                                *કામ એટલે સેક્સ કુદરતે દરેક સજીવોમાં મુકેલો છે.જો એ નાં હોય તો જીવન ચક્ર આગળ ચાલે નહિ.જો ખરાબ હોત તો કુદરત તમારી અંદર મુકત જ નહિ.એટલે એના વગર ચાલતું નથી.જો બળજબરી થી ચલાવવા  જાવ તો સ્ખલન થવાનું જ છે.હમણા ૩૩ વર્ષ ના યુવાન દક્ષીણ ભારતીય સન્યાસી નિત્યાનંદ ની વાતો વાંચી.તમિલ અભિનેત્રી સાથેના એમના અંગત સબંધો ચર્ચા માં છે.આમાં આ સન્યાસી ખોટા રવાડે ચડી ગયા છે.૩૩ વર્ષ નું જુવાનજોધ શરીર એમના કાબુમાં ના રહે.કુદરતે અબજો વર્ષ થી  તમારા જીન્સ માં મુકેલું છે કે એક કોપી પાછળ મુકતા જવું.એ ઈવોલ્યુશનરી ફોર્સ સ્ત્રી નજીક આવી નથી કે તમને છોડવાનો નથી.આ સાયંસ પ્રાચીન લોકો જાણતાં હતા.નાની ઉમરમાં સન્યાસ લેવો એ કુદરત ના વિરુદ્ધ માં જવાનું થાય છે.આના વિષે ઘણું બધું કહેવાઈ ગયું છે.જીવનચક્ર આગળ ને આગળ ચાલતું રહે તેવી કુદરતની યોજના એટલે દરેક સજીવ માં મુકેલી “કામ” ની પવિત્ર ભાવના.કુદરતે મુકેલી દરેક વસ્તુ પવિત્ર જ હોય.”કામ” ને કામવાસના કહી હું કુદરત નું ભગવાન નું અપમાન કરવા નથી ઈચ્છતો.જેમ ભૂખ લાગે છે,ને ખાધા વગર ચાલતું નથી.તેમ લાંબા ગાળા ની કુદરત ની યોજના મુજબ કામ(સેક્સ) વગર ચાલે નહિ.
       
                     *ક્રોધ માં એક બળ હોય છે,તાકાત હોય છે.ક્રોધ વગર નો માણસ નપુંસક જેવો લાગે છે.જે કામ માં ખુબ તાકાત લગાવવી પડે છે,તે કામ ક્રોધ માં સહેલાઇ થી કરી શકો છો.અમેરિકાના એક પ્રતિષ્ઠિત ઓલોમ્પિક ગોલ્ડ મેડાલીસ્ટ એથ્લેટ્સ ભારત આવેલા.અહીના રમત જગત ના ખેલાડીઓ ની મુલાકાત લીધી.અહી ચાલતા વિવિધ કેમ્પ ની મુલાકાત પણ લીધી.પછી કોઈએ પૂછ્યું કે આપનું અહીના ખેલાડીઓ વિષે શું માનવું છે?એમનો જવાબ હતો કે ભારતમાં પ્રતિભા ખુબ છે.પણ ‘ભારત ના ખેલાડીઓ અગ્રેસીવ નથી’.ખેલાડીઓ માં આક્રમકતા નથી.એક મરું કે મારું ની ભાવના જોઈએ,જે અહીના ખેલાડીઓ માં નથી.માટે છેલ્લી ઘડીએ માર ખાઈ જાય છે.પ્રજામાં જ એક તો આક્રમકતા નથી તો પ્રજામાંથી આવતા ખેલાડીઓ માં ક્યાંથી હોય?કે નેતાઓમાં પણ ક્યાંથી હોય?મહાત્માઓ ના ઉપદેશો કે કામ,ક્રોધ ને છોડો.ક્રોધ ખરાબ છે.પ્રજા કાયર ના બને તો શું થાય?નપુંસક ના બને તો શું થાય?મુઠ્ઠીભર અંગ્રેજો અહી રાજ ના કરી જાય તો શું થાય?છોને આપણે એક અબજ થી વધારે રહ્યા.હજારો ઘેંટાઓનું ટોળું ભલેને હોય,પણ એક સિંહ આવીને ત્રાડ પડે તો શું થાય?ધાર્મિક મહાપુરુષોએ ક્રોધ ને વખોડી વખોડી ભારતને પાયમાલ કરી નાખ્યું છે,બલહીન,કાયર બનાવી દીધું છે.
          
               * સર્વાઈવલ માટે જીવવું હોય તો બળ જરૂરી છે,ને એ બળ પેદા થાય છે ક્રોધ માં.એક ઘાંચી ને રાજપૂત ના ઘર જોડે હતા.રાજપૂત ભાઈ દુબળા પાતળાં ને ઘાંચી ભાઈ તગડા રૂષ્ટપુષ્ટ.ઘાંચી ની પત્ની પેલા દરબાર ની પત્નીને રોજ મહેણાં મારે કે મારો ઘાંચી કેવો તગડો છે,ને તારો દરબાર જો કેવો દુબળો પાતળો છે.દરબાર ની પત્નીએ એના પતિ ને આ વાત કરી.દરબાર કહે ઢોલ વાગવા દે પછી વાત.એવામાં ગામમાં ધાડ પડી ને બચાવ કરવા લોકોને ભેગા કરવા ઢોલ વાગ્યો.દરબાર ને ક્રોધ ચડ્યો,ઝનુન વ્યાપી ગયું શરીરમાં.દરબાર ને પેલી ઘાંચી ની વાત યાદ આવી,બાજુમાં પડેલી લોખંડ ની કોશ ઉઠાવી ને ઘાંચી ના ગાળામાં ભેરવી ને વાળી દીધી.પછી દરબાર તો ગયા ધાડપાડુઓ  સામે લડવા ને બધા ભાગી ગયા એટલે પાછા આવ્યા.હવે ક્રોધ જતો રહ્યો.પેલો ઘાંચી કહે દરબાર હવે આ કોશ ને સીધી કરો ને કાઢો હવે.દરબાર કહે હવે ના થાય,ફરી ઢોલ વાગે ત્યારે સામે આવીને ઉભો રહેજે.આ વાત તો ઘણા બધાએ વાંચી હશે.કોઈ આખો દિવસ તો ક્રોધ માં જીવી ના શકે.શરીર માં ખાસ પ્રકાર ના કેમિકલ્સ ક્રોધ માં વધારાનું બળ પ્રાપ્ત કરવા માટે છૂટે છે.ઈમરજન્સી શક્તિ નો પુરવઠો વહેવા લાગે છે.કામ પૂરું થયા પછી એની જરૂર હોતી નથી.ઉલટાનું હાની કરે.માટે આખો દિવસ સતત ક્રોધ માં જીવી ના શકાય,અને કોઈ નવરું પણ ના હોય ક્રોધ માં જીવવા.પણ સર્વાઈવલ માટે જો તમને કોઈ મારવા આવે તો ક્રોધ જરૂરી છે.