ગુરુ ગુલામી!!!!૫૦ લાખ સાધુઓ?બાપરે!!અધધધધ!!!

                    ગુરુ ગુલામી !!!! ૫૦ લાખ સાધુઓ ?બાપરે !! અધધધધ !!!
*ગુલામ માનસિકતા ને ઘણા કોલોનિયલ માઈન્ડ પણ કહે છે. અંગ્રેજો ૨૦૦ વર્ષ ભારત ને ગુલામ રાખી ને ગયા. એટલે પ્રજાની માનસિકતામાં અંગ્રેજો ને અંગ્રેજી પ્રત્યેની ગુલામી લોહીમાં વણાઈ ગઈ. પણ ગુરુઓની ગુલામી, ગુરુગુલામી પ્રજાના અચેતન મનમાં સમાઈ ગઈ છે અને એ પાછી વારસામાં સંતાનોને પણ જીન્સમાં આપતા જવાની. કોઈ ને ગુરુ વગર ચાલે જ નહિ. ઇન્દિરા ગાંધી હોય કે જવાહર કે ગાંધીજી હોય કે કોઈ પણ નેતા. બધા ગુરુઓ પાસે દોડી જતા. આશીર્વાદ લેવા, સલાહ લેવા. બીજા કોઈ દેશના નેતાઓ સાધુઓની સલાહ લેવા જતા નથી, માટે એ દેશો ભારત કરતા બળવાન છે. અને આગળ પણ છે. સાધુઓની સલાહ લઇને કયું દેશનું ભલું થયું છે? દેશ તો હજાર વર્ષ ગુલામ રહ્યો છે, ગરીબ બન્યો છે, કાયર બન્યો છે.  ભીખારીઓની સલાહ થી દેશ કદી બળવાન બનતો હશે ભલા? મુરખો છે જે દેશ ચલાવવા માટે સાધુઓની સલાહ લેવા દોડી જાય છે. કે આશીર્વાદ લેવા દોડી જાય છે. હા કોઈ અપવાદ હોઈ શકે. જેવા કે ચાણક્ય. પણ એવા અપવાદ કેટલા? ચંદ્રગુપ્તનું સામ્રાજ્ય બળવાન હતું કારણ એને જાસુસી સંસ્થાનું મહત્વ ચાણક્યે સમજાવેલું. રાજ્યના જાસૂસો સીધા ચાણક્ય પાસે માહિતી આપવા જતા. બંગલા દેશનું સર્જન થયું એ ૧૯૭૧નું યુદ્ધ અર્ધું તો ભારતની જાસુસી સંસ્થા “રો” કારણે જીતાએલું. આ “રો” ને કદ પ્રમાણે વેંતરી એને લગભગ નિષ્ક્રિય બનાવવાનું મહાપાપ શ્રેષ્ઠ ગણાતા વડાપ્રધાન મોરારજી દેસાઈએ કરેલું. કચ્છ જેવડું ઈઝરાઈલ કોઈ ને ગાંઠતું ના હોય તો એનું કારણ એની મહાન જાસુસી સંસ્થા મોસાદ છે.
*બધાને આશીર્વાદ થી કામ ચલાવી લેવું છે. કોઈ ઠોસ કામગીરી કરવી નથી. કર્મનો નિયમ અફર હોય ને કર્મનું ફળ મળવાનું જ છે, અને કર્મો ભગવાનને પણ છોડતા નથી તો આશીર્વાદની શી જરૂર? પ્રાર્થનાની શું જરૂર? જો પ્રાર્થના તમે કરેલા ખરાબ કર્મો કે કરેલી ભૂલમાંથી બચવા કરતા હોવ તો. બાકી પ્રાર્થના કર્યાં કરો કોઈ વાંધો નથી. ભગવાન મહાવીર આ કર્મના નિયમ ને જાણતા હતા, માટે આખી જીંદગી ક્યારેય પ્રાર્થના કરી નથી. ભારતમાં આશરે ૫૦ લાખ સાધુઓ છે, એવું કોઈ આર્ટીકલમાં દિવ્યભાસ્કરમાં વાંચ્યું. જો એ સાચું હોય તો?
આ ૫૦લાખ સાધુઓ કશુજ કરતા નથી. નથી કોઈ વસ્તુનું ઉત્પાદન કરતા. નથી કોઈ સેવા વેચતા. મફતમાં પ્રજાના પૈસે લહેર કરે છે. એક સાધુ પાછળ ઓછામાં ઓછા રોજ ૫૦ રૂપિયા પ્રજાના વપરાતાં હોઈ શકે. કારણ ભૂખ્યા તો રહેતા નથી. ૫૦ રૂપિયા કરતા પણ વધારે વપરાતા હોઈ શકે બીડી ગાંજાના પૈસા કોણ આપતું હશે? એમનું ખાવાનું, એમની ચા, દૂધ, ભગવાં કપડા, ફલાહાર, એ તો કમાવા જતા નથી. તો સાદો હિસાબ ગણો. રોજ એક સાધુ પાછળ ૫૦ રૂપિયા એટલે ૫૦ લાખ સાધુઓ પાછળ રોજના કુલ્લે થઇ ૨૫૦૦ લાખ રૂપિયા થયા. અને વર્ષના ૩૬૫ દિવસના થઇ ૯૧૨૫ કરોડ રૂપિયા વપરાતાં હશે. આ તમામ પૈસા પ્રજાના ખીસામાંથી જાય છે. આ તો સીધા સાદા ફેમસ ના હોય તેવા સાધુઓનો પ્રજાના માથે પડતો ખર્ચો છે. ફેમસ ગુરુઓ તો બીજા કરોડો રૂપિયા પ્રજાના ખીસામાંથી ખંખેરી લે છે, કશું કર્યાં વગર. ભારતની ઈકોનોમી માટે ખતરા રૂપ છે, આ સાધુ સંસ્થા. દેશના વિકાસ માટે કોઈ જરૂર નથી આ સાધુઓની. આ સાધુઓ નહિ હોય તો દેશ નો વિકાસ સારો થશે. ઈકોનોમી સુધરશે. પ્રજાના મહેનતના રૂપિયા બચશે. ઉપર નું ગણિત ખોટું હોય તો જણાવશો, સુધારી લેવામાં આવશે.
        *જેને કામ કરવું નથી એ સાધુ બની જાય છે. ભગવાં પહેરી લીધા એટલે પત્યું. બાકીની એમને જીવતા રાખવાની જવાબદારી પ્રજાની. ઘણા બધા નું કહેવું છે કે બેચાર ખરાબ સાધુઓને લઈને આખી સાધુ સંસ્થાને ના વખોડાય. મારું કહેવું છે બે ચાર ગણ્યા ગાંઠ્યા સારા સાધુઓ ને લઈને આ આખી નિષ્ક્રિય સાધુ સંસ્થા ને શા માટે વેઢારવી? સ્વામી વિવેકાનંદ જેવા સાચા સાધુઓ, ગુરુઓ કેટલા?  અને જે સાચા છે એતો સંસારમાં રહી ને પણ ભક્તિ કરી શકશે. તમામ ઋષિ જગત પરણેલું હતું. ઘણા ઋષીઓ ને બે પત્નીઓ હતી. ઘણાનું માનવું છે કે આ સ્ત્રીઓ સાધુઓ ને ચળાવે છે. ચલિત થઇ જવાય એવી સાધુતા શું કામની? કે પછી સ્ત્રીઓની ભાવનાઓ ને બહેલાવી સાધુઓ એમની ગુપ્ત સળવળી રહેલી વાસના સંતોષી તો નથી લેતાને?
*એક ની એક રામકથા કહી કહી ને કરોડો રૂપિયા ઘર ભેગા કરી લેનારા બાપુઓનો તોટો નથી આ દેશમાં. એક ના એક મંદિરો બનાવી પ્રજાના કરોડો રૂપિયા પથ્થરોમાં નાખવામાં આવી રહ્યા છે. એક સોમપુરા ફેમીલીનું ભલું થાય છે, અને બાકીના લાખો લોકોના ખીસા હળવા થાય છે. આ સોમપુરા ફેમીલી તો બીજું કામ શોધી લેશે. એ કાઈ ભૂખે મરવાનું નથી. એમની વિદ્યા ઘર બાંધવામાં વાપરશે. મંદિરો જેવી સોસાયટી બનાવશે, એપાર્ટમેન્ટ બનાવશે. જે મજુરો મંદિર બનાવવામાં કમાય છે તે મકાનો કે ફેક્ટરી બનાવવામાં કામ લાગશે.
*કુંભના મેળા વખતે ગંગા ને ગંદી કરતા, સ્નાન કરતા લાખો સાધુઓના ફોટા હોંશે હોંશે છાપવામાં આવે છે.  અને શિવરાત્રી વખતે ગાંજો પીતા સાધુઓના ફોટા પણ છાપી ને છાપાંઓ પુણ્ય કમાય છે. લોકો ખુશ થાય છે,  કેવો મહાન દેશ છે અમારો. બેચાર ડફોળ શંખ જેવા ધોળિયાઓને  પણ એમના સંગે ચડેલા જોઈ પાછા વધારે લોકો ખુશ થાય છે, કેવી મહાન સંસ્કૃતિ !!! સાક્ષરો ફટાફટ લેખો લખવા માડી પડે કે આવી મહાન સાધુ સંસ્થા, ધોળિયા પણ માને છે. ઉતાવળમાં એક લેખકશ્રીએ એવું પણ લખી નાખ્યું કે પશ્ચિમના લોકો સંજીવની વિદ્યામાં વિશ્વાસ રાખે છે, માનતા થયા છે. મરેલાને જીવતો કરવાની વિદ્યા. કૉમામાં ઉતરી ગયેલા પાછા ભાનમાં આવે છે, પણ મરેલા કઈ રીતે જીવતા થાય? કાંતો પછી કૉમામાં ઉતારેલા ને મરેલા માનતા હશે. અને ભાનમાં પાછા આવે તો માનતા હશે કે સંજીવની વિદ્યા વાપરીને ઠીક કર્યાં હશે.
*સમજો જ્યાં ચોરી વધારે થતી હોય ત્યાં પોલીસ ની જરૂર વધારે. જ્યાં અધર્મ વધારે થતો હોય ત્યાં વધારે ધર્મની, સાધુઓ કે ગુરુઓની વધારે જરૂર પડે. પછી ચોર લોકો એમનો ધંધો ચાલુ રાખવા પોલીસ ને પણ ભ્રષ્ટાચારી બનાવી કાઢે. એમજ અધર્મ ચાલુ રાખવા સાધુઓ ને ગુરુઓ ને પણ ભ્રષ્ટાચારી બનાવવા પડે, કે બનવું પડે. પછી ચોર લોકો જ પોલીસની નોકરીમાં ઘુસી જાય. એટલે પકડાવાની કોઈ ચિંતા નહિ. એટલે પછી અધર્મીઓને કામચોરો સાધુ બની જાય, ગુરુ બની જાય. એમાં સાચા ગુરુઓ ખોવાઈ જવાના. અભિનયની કળાના નિષ્ણાત ગુરુઓ સાચા ગુરુ હોવાની જબરદસ્ત એક્ટિંગ કરે, ભાષણો આપે, હૃદય દ્રાવક કથાઓ કરે, કરોડો રૂપિયા ભોળી પ્રજાના ખંખેરી લે. મિલકતો, આશ્રમો ઉભા થાય. પછી એના કબજા ને વારસા માટે ઝગડા થાય. ખૂન પણ થઇ જાય.  સાધુ સંસ્થા દેશ માટે નુકશાનકારક છે.  ગુરુગુલામી માનસ વધારે નુકશાન કારક છે, પ્રજા માટે, પ્રજાના ખીસા માટે.