*અમારી રાત્રીની જોબમાં બ્રેકમાં મિત્રો સાથે ગામગપાટ બહુ ચાલે. ભારતના સમાચારોની પણ ચર્ચા ચાલે. અમારા એક મિત્ર છે રમેશ ભાઈ. અમે એમને રમેશ મોટા કહીએ છીએ, કદમાં છોટા છે એટલે. એ કહે જયારે એ અમેરિકા આવવા નીકળ્યા ત્યારે કોઈ એમનો મિત્ર મળવા આવેલો. તે મિત્ર કહે ‘રમેશ તું તો સ્વર્ગમાં ચાલ્યો’. અમેરિકા એટલે સ્વર્ગ. મેં રમેશભાઈ ને કહ્યું ત્યારે હવે અમે તમને સ્વર્ગસ્થ રમેશભાઈ કહીશું. મને કહે જીવતે જીવ સ્વર્ગસ્થ? મેં સમજાવ્યા એવું નહિ. તમારા મિત્રના કહેવા મુજબ અમેરિકા એટલે સ્વર્ગ, અને તમે અમેરિકા સ્થિત એટલે સ્વર્ગમાં સ્થિત, સ્વર્ગસ્થ કહેવાઓ. તો કહે ઠીક ચાલશે.
*હું ભારતમાં હતો ત્યારે ક્યાંક બહાર જઈએ અને ભૂખ લાગે તો શું ખાવું?ચોખ્ખાઈનો અભાવ હોય એટલે ગરમા ગરમ ભજીયા ખાઈને ચા પી લેવાની એટલે બેક્ટેરિયાનો ભય નહિ. આવી માનસિકતા અમારા મિત્ર કમેલશભાઈ પટેલની પણ ખરી. એ જયારે અમેરિકા આવવા પહેલી વાર પ્લેનમાં બેઠા ત્યારે પહેલો વિચાર એવો આવેલો કે આપણે તો ફાવ્યા. મોટો હોલસેલ મેડીકલ દવાઓનો ધંધો પિતરાઈ ભાઈઓને સોપીને અહી આવીને કેટલા ફાવ્યા તે તો એમનું મન જાણે છે. પણ એટલાન્ટા ઉતરી ને એમના ભાઈના ઘેર જવા કારમાં બેઠા ને રસ્તો જરા લાંબો હશે ને ભૂખ લાગી હશે તો ભાઈ ને કહે જરા કોઈ રેસ્ટોરાં આવે તો ઉભી રાખજો ગરમા ગરમ ભજીયા ખાઈએ. ભૂલી જ ગયા કે આ ગુજરાત નથી, અમેરિકા છે. જો કે અહી ન્યુ જર્સીમાં ઇઝલીનમાં ભજીયા ખાવા મળે છે. એ વાત યાદ કરીને હજુ બધા હસે છે.
*સાંધા શુલ નિવારણ કેન્દ્ર (Healing joints) માં કટીશુલ(Back pain)નિવારણ માટે એક મનીષભાઈ આવે છે. જરા વાતોડિયાને હસમુખા છે. હું મારા કંધશુલ(ખભા) નિવારણ માટે જતો હોઉં છું. એમને નૈયા નામની પરિચારિકા મશીન પર સુવડાવી ઉપર છાતીના ભાગે બેલ્ટ બાંધે અને કમરના ભાગે પણ બેલ્ટ બાંધે. પછી મશીન આગળ પાછળ થાય. ટૂંકમાં કમરના ભાગે સ્પાઈનલ કોર્ડ ખેંચાય, સ્ટ્રેચ થાય. આ નૈયાને હું લાડમાં મૈયા કહું છું. સદાય મંદ મંદ હસતી દીકરી જેવી લાગે. મનીષભાઈનો વારો પૂરો થયો. બોલકણા મનીષભાઈ કહે આ નૈયાએ બળદ બાંધ્યો હોય એમ મને બાંધેલો. પછી એમને અંદર રૂમમાં કમર ઉપર હોટ પેક મૂકી ઉંધા સુવડાવવામાં આવેલા. પેલા મશીન પર સંપૂર્ણ ભીને વાને એવી મહાકાય વિદેશી બાઈ ને નૈયા એ બાંધીને મશીન ચાલુ થયું. મને શું સુજ્યું કે મનીષભાઈ પાસે જઈ કહ્યું કે, જુઓ આ નૈયા એ પહેલા બળદ બાંધેલો ને હવે ભેંસ બાંધી છે. ખલાસ મનીષભાઈનું હસવું માય નહિ. હાથ પછાડી પછાડી ને હસે જ રાખે. આ મનીષભાઈ(મીનેષભાઈ)ન્યુયોર્કના ગુજરાતી સમાજના વાઈસ પ્રેસિડેન્ટ છે, હજુ મળે ત્યારે ખુબ હસે, ને કહે મારી જીંદગીમાં ક્યારેય આટલું હસ્યો નથી. આમારા ફીઝીયો થેરાપીસ્ટ પૂર્વીબેન પણ વડોદરાના જ છે. મારા હાથનું સ્ટ્રેચિંગ કરે તો બુમો પડાઈ જાય. તો હું બુમ પાડું કે “મૈયા બચાવો”. તો નૈયા મંદ મંદ હસે બોલે નહિ. વિચારતી હસે કે તમને બચાવાવનું પાપ હું ના કરું.
*આ મૈયા(નૈયા)આજે લંગડી લંગડી ચાલતી હતી. મેં પૂછ્યું શું થયું? તો કહે ઢીંચણમાં કશું થયું છે. મેં કહ્યું કઈ રીતે પડી ગઈ હતી કે શું? તો કહે ના. ખબર નથી કેમ દુખાવો થયો? આ દુખાવાને કોઈ કામ ધંધો નહિ હોય? પૂર્વી બહેન કહે કદાચ હાઈ હિલના શુઝ પહેરવાથી થયું હસે. મેં કહ્યું હાઈ હિલની જરૂર હોત ને તો ભગવાન ખુદ જ સ્ત્રીઓની એડીમાં મસલ્સ વધારે ભરી ને હાઈ હિલ બનાવી કાઢત. સ્ત્રીઓના કમર અને પગના વિવિધ સાંધાઓના દુખાવાનું કારણ હાઈ હિલના શુઝ પણ હોય છે. આ નૈયા ને હું મૈયા એટલા માટે કહું છું કે નાની નાની દીકરીઓમાં ભાઈ ભાંડુઓ તથા માબાપની કાળજી, માતા જેવા ભાવ થી રાખવાનો ગુણ કુદરતી રીતે હોય છે. એની ખોટ મારા જેવા દીકરી વગરના માણસને ખુબ જ સાલતી હોય છે.
![images[10]](https://raolji.com/wp-content/uploads/2010/03/images101.jpg?w=474)