માનવ જાતનું મહાભિનીષક્રમણ કોયડા ઉકેલે છે “Genes”!!!!!

Dr spencer wells

                                                                                                                                                                                                   The great migration
       આ પૃથ્વી પર જાત જાતના માનવ સમૂહો વસે છે. રંગ રૂપ જુદા જુદા છે. ભાષાઓ પણ જુદી જુદી છે. કોઈ એકદમ કાળા તો કોઈ એકદમ ધોળા. દરેક માને છે કે તેઓ વિશિષ્ટ પ્રજા છે. હિટલર જર્મન પ્રજાને શુદ્ધ આર્યન સમજતો હતો. આપણે ભારતીયો પણ મહાન પૂર્વજોના સંતાનો છીએ તેવું માનીએ છીએ. લગભગ દેવોના દીકરાઓ. યુરોપનાં ગોરા લોકો પોતે પોતાને મહાન સમજે છે. કાળા લોકો નીચા છે એમના માટે. સફેદ ચામડી જોઈ આપણે પણ પ્રભાવિત થઇ જઈએ છીએ. અને એમાંજ ટચુકડા ઇંગ્લેન્ડના મુઠ્ઠીભર અંગ્રેજોના ગુલામ બની રહ્યા. લોહીનું એક ટીપું તમામ કોયડા ઉકેલે છે. કોણ હતા આપણાં પૂર્વજો?કાળા, ગોરા, યુરોપિયન, રશિયન, જર્મન, બ્રીટીશર, ચાઇનીઝ હોય કે મહાન ભારતીયો દરેકના પૂર્વજો એક જ છે. “સાન બુશ મેન” હાજી દક્ષીણ આફ્રિકાના કલહારી રણપ્રદેશના રહેવાસી આખી દુનિયાના વંશ વૃક્ષનું મોટું થડ છે.
      
માંનવ લોહીના એક ટીપામાં છુપાયો છે દુનિયાનો સૌથી મોટો ઈતિહાસ. સ્ટેનફોર્ડ યુની કેલીફોર્નીયાના પ્રોફેસર લુકા વર્ષોથી દુનિયાના લોકોની ફેમીલી હિસ્ટ્રી જાણવા રીસર્ચ કરી રહ્યા હતા. છ મહાખંડના લગભગ છ અબજ લોકોમાંથી મોટાભાગે દરેક માનવ સમૂહના જીન્સનો અભ્યાસ કરવામાં આવ્યો. પ્રોફેસર લુકાના વડપણ હેઠળ જેનેસિસ્ટ ડો સ્પેન્સર વેલ્સની ટીમે વારંવાર ચકાસી ને આફ્રિકા થી શરુ થયેલી માનવ જાતની મહામુસાફરીના રહસ્યો શોધી કાઢ્યા. સાન બુશમેન લોકોએ એમના લોહીમાં છુપાવી રાખેલા ઈતિહાસના છુપા રહસ્યોનો તાગ મેળવી લીધો.
         *
આપણે હોમો ઈરેક્ટસના સીધા વારસદાર હોમોસેપિયન માનવ જાત છીએ. આશરે એક લાખ વર્ષથી હોમોસેપિયનના સીધા વારસદાર છે આ સાન બુશમેન. આખી દુનિયા થી અલિપ્ત રહેતા આ સાન બુશમેન બેસ્ટ શિકારી છે. અને શિકારી જીવન હજુ આજે પણ જીવે છે. કોઈ પણ પ્રાણીના પગલા ઓળખવામાં એમના જેવી કાબેલિયત બીજી કોઈ જાતમાં નથી. ભાષા બહુ અટપટી ચીજ છે. દુનિયાની લગભગ દરેક ભાષાઓ એક બીજા સાથે સંલગ્ન હોય છે. સંસ્કૃતના શબ્દો લેટીનમાં પણ જોવા મળે. પીટર એટલે પિતર, માતર એટલે મધર, ભ્રાતા એટલે બ્રધર. પણ આ સાન બુશમેન સૌથી અલગ ભાષા બોલો છે, એને ક્લિક લેન્ગવેજ કહેવામાં આવે છે. આપણે જીભને તાળવા સાથે ચોટાડીને જે અવાજ કાઢીએ તેવી.
      
*ડી.એન.એ.વિષે આપણે સહુ હવે જાણી ચુક્યા છીએ. Y અને X ક્રોમોસોમ વિષે પણ જાણીએ છીએ. X સાથે Y મળે તો છોકરો પેદા થાય ને X સાથે X મળે તો છોકરી પેદા થાય. હવે આ સત્ય થી કોઈ અજાણ્યું નથી. આ Y અને X  દરેક સંતાનને એના માતા  પિતા તરફ થી ફેરફાર વગર વારસામાં મળે છે. કોઈ કારણસર  આ જીન્સમાં નજીવો ફેર થાય છે એને મ્યુટેશન કહેવામાં આવે છે. મોટો ફેરફાર થાય તો ગર્ભ રહે નહિ, પણ નજીવો ફેર ચાલી જાય. આ જે નજીવો ફેર થયો છે એને માર્કર કહે છે વિજ્ઞાનની ભાષામાં. હવે મૂળ જીન્સ સાથે આ ફેરફાર, માર્કર પણ દરેક પાછળ પેદા થતી પેઢીમાં વિના ફેરફાર સાથે ટ્રાન્સફર થાય છે. હવે આગળની પેઢીમાંના જીન્સમાં પાછો કોઈ માર્કર થયો તો એ જીન્સમાં બે માર્કર થયા. તો પાછળની દરેક પેઢીમાં આ બે માર્કર તો હોવાના જ. એમ સમયે સમયે જીન્સ માં માર્કર વધતા જાય છે. અને દરેકે દરેક માર્કર સાથે નવી પેઢીઓ પેદા થતી જાય છે. અને એમજ માનવ જાત રંગે રૂપે જુદી પડતી જાય છે. હવે સમજ્યા લોકો જુદા જુદા કેમ દેખાય છે? વૈજ્ઞાનિક પરિભાષામાં કહીએ તો જીન્સ માં રહેલી  A.C.G.T.સિક્વન્સનો અભ્યાસ કરવામાં આવે છે. માર્કર થતા આ સિક્વન્સમાં ફેરફાર થાય છે. બસ આ જીન્સમાં રહેલા માર્કરના રિસર્ચે બધા રહસ્યો ખોલી નાખ્યા છે. ડો સ્પેનસર વેલ્સે માર્કરની રીવર્સ મુસાફરી કરી અને પહોચી ગયા છેક કલ્હારીના રણ વિસ્તારમાં રહેતા સાન બુશ મેનના જીન્સ પાસે. આ હતું માનવજાતના વંશવૃક્ષનું મેઈન થડિયું.
        
*આશરે ૫૦ થી ૬૦ હજાર વર્ષ પહેલા આફ્રિકાના આ બુશ મેનના પરદાદાઓએ મુસાફરી શરુ કરી અને આખી દુનિયામાં ફેલાઈ ગયા. અને એમના રંગરૂપ પણ બદલાઈ ગયા. કોઈ થયા ગોરા કોઈ થયા બુચિયા(ચીનાઓ), કોઈ થયા કાળા તો કોઈ થયા ઘઉંવર્ણનાં. પણ આ લોકો અહીંથી નીકળ્યા કેમ?૭૦ થી ૫૦ હજાર વર્ષ પહેલા હિમયુગ ચાલતો હતો. એના લીધે ખોરાકની તકલીફ પડવા લાગી ને સર્વાઈવ થવા એક નાનકડી ટોળકી નીકળી પડી. દરિયાના લેવલ નીચા જતા રહેલા. એટલે યમનના દરિયા કીનારે થી માનવસમૂહ પહોચ્યો મિડલ ઇસ્ટમાં. એક બ્રાંચ સીધી દક્ષીણ ભારત થઇ વાયા ઇન્ડોનેશિયા સીધી ઓસ્ટ્રેલીયા પહોચી ગઈ. યુરોપ કરતા પહેલા માનવો ઓસ્ટ્રેલીયા પહોચી ગયેલા. કોઈ અર્કીયોલોજીકલ પુરાવા મળતા નહોતા કે માનવ આફ્રિકાથી ૬૦૦૦ માઈલ દુર સીધો સમુદ્ર વાટે ઓસ્ટ્રેલીયા કઈ રીતે પહોચી ગયો? અને તે પણ ૪૫ કે ૫૦ હજાર વર્ષ પહેલા? વચ્હે કોઈ કડી મળતી ના હતી. બુશમેનના જીન્સમાં થયેલો માર્કર સીધો ઓસ્ટ્રેલીયાના  આદીવાસીમાં? વચ્ચે ની કોઈ પ્રજાના જીન્સ માં આવો કોઈ માર્કર મળવો તો જોઈએ ને?
       
*ડો સ્પેન્સર આવ્યા મદ્રાસ. તામીલનાડુમાં મદુરાઈ યુનીના પ્રોફેસરના સહયોગમાં રીસર્ચ શરુ થયું. મદુરાઈ જીલ્લાના એક અંતરિયાળ ગામના ૭૦૦ લોકોના લોહીના નમુના ચેક કરવામાં આવ્યા. ૫૦ હજાર વર્ષ પહેલા જીન્સમાં થયેલા માર્કરની શોધ ચાલી રહી હતી. બીજા ૩૦૦ લોકોના લોહીના સેમ્પલ ચેક કરવામાં આવ્યા. અને ડો સ્પેન્સરને મિસિંગ લીંક મળી ગઈ. ૫૦ હજાર વર્ષ પહેલા આફ્રિકન બુશમેનના જીન્સમાં થયેલો અકસ્માત ફેરફાર જે ઓસ્ટ્રેલીયન આદિવાસીમાં હતો તે માર્કર(C to T) ભાઈ વિરુમાંડીના જીન્સમાં મળ્યો. હા તો આફ્રિકાથી મુસાફરી શરુ થઇ પહોચ્યા ઓસ્ટ્રેલીયા વાયા દક્ષીણ ભારત. દક્ષીણ ભારતીયો મૂળ ભારતીયો કહેવાય. અને રંગે રૂપે કેમ ઉત્તર ભારતીયો થી જુદા પડે છે? પછી સમજાશે. થોડી ધીરજ રાખો.
          
*માનવ સમૂહની એક શાખા મિડલ ઇસ્ટથી ભારત થઇ ઓસ્ટ્રેલીયા પહોચી ગઈ, આ થઇ દરિયા કિનારાની મુસાફરી. તો બીજી શાખા મિડલ ઇસ્ટ થઇ વાયા મધ્ય એશિયાથી ચીન બાજુ ગઈ. એક ચીનની ઉત્તરે ગઈ તો બીજી ચીનની દક્ષીણે થઇ ને જાપાન સુધી ગઈ. દુનિયાની બાકીની તમામ માનવ શાખાઓ મધ્ય એશિયાથી ફેલાઈ છે. એ હિસાબે મધ્ય એશિયા એ માનવજાતના ઉછેરની નર્સરી કહેવાય. અફઘાનિસ્તાન થી ઉત્તરમાં રહેલા કાઝાખીસ્તાન થઇ ને માનવ પહોચ્યો યુરોપ. ફ્રાંસમાં પહેલવહેલી એક ગુફા મળી તેમાં ચિત્રો દોરેલા હતા જે લગભગ ૪૦ હજાર વર્ષ જુના છે. જેમાં મેમથ જાતના હાથી, બાયસન અને જંગલી ઘોડા દોરેલા છે. આમાંનું કોઈ પ્રાણી આફ્રિકન નથી કે નથી મિડલ ઇસ્ટનું રહેવાસી. આ બધા ઠંડા પ્રદેશોના પ્રાણી છે. બરફ વર્ષામાં ટેવાએલા. આફ્રિકાના વિશાલ સહારાના રણે માનવો ને સીધા યુરોપમાં જતા રોક્યા. તો યુરોપ પહોચતા માનવોને ઓસ્ટ્રેલીયા કરતા ૧૦ હજાર વર્ષ મોડું થયું.
          
*ટ્રોપિકલ પ્રદેશના લોકો વધારે ડાર્ક છે. કુદરતી સનક્રીમ ભગવાને એમની ચામડી પર લગાવ્યું છે, એ છે મેલેનીન. મેલેનીન ચામડી પર વધારે તેમ ચામડી વધારે કાળી. એનાથી સૂર્યના હાનીકારક કિરણો થી બચી જવાય. ઉત્તર ગોળાર્ધમાં રહેતા લોકો ઠડીમાં રહેતા હોવાથી ચામડી સીધી સૂર્ય કિરણોની અસરમાં આવતી નથી. કારણ ઠડીથી બચવા કપડા વધારે ને પુરા પહેરવા પડે છે. અને ઉત્તર ગોળાર્ધમાં સૂર્યના સીધા કિરણો ઓછા પડે. એટલે ધીરે ધીરે ચામડીનો કલર પણ બદલાઈ જાય. જોકે કલર બદલાતા ૫૦૦૦ વર્ષ તો લાગે. જોકે નવા ગ્લોબલ જમાનામાં તો શ્વેત અશ્વેત લગ્ન કરે તો કલર બદલાતા વાર ના લાગે.
         *
કાઝાખીસ્તાનના ૨૦૦૦ લોકોના લોહીના સેમ્પલ ચેક કરવામાં આવ્યા. શોધવો હતો માર્કર જે યુરોપની પ્રજામાં હતો, જે ૪૦ હાજર વર્ષ પહેલા થયો હતો. નીયાજો કે નિયાજી નામના માણસમાં આ માર્કર મળ્યો જે યુરોપિયન તો ઠીક રશિયન, અમેરિકન, ચાઇનીઝ અને એશિયન સાથે ભારતીય લોકોના જીન્સમાં રહેલા માર્કર પણ આ ભાઈના જીન્સમાં મળ્યા. માટે આ ભાઈલો જેનેટિક જાયન્ટ છે. હવે વૈજ્ઞાનિકોને સમજાઈ ગયું કે મધ્ય એશિયા માનવખેતીની નર્સરી છે.
         
*આર્યો પણ મધ્ય એશિયાથી ભારતમાં આવેલા. ભારતીય લોકોના જીન્સમાં રહેલો માર્કર પેલા નીયાજોમાં મળે છે. તે પહેલા માનવો દક્ષીણ ભારતમાં પહોચી ચુકેલા હતા. એટલે ઉત્તર ભારતીયો થી દક્ષીણ ભારતીયો જુદા પડે છે. પાતળાં લાંબા નાક ને મોટા કપાળ ને વાન જરા ગોરો એવા ઉત્તર ભારતના લોકો ને અથડામણો થઇ દક્ષીણ ભારતના ડાર્ક કલરની ચામડી ધરાવતા લોકો સાથે. આ થયો દેવાસુર, સુર અસુર  સંગ્રામ. કાલ ક્રમે સંગ્રામ બંધ થયા ને બંને પ્રજા એક થઇ ગઈ. મંદિરો ની અને આશ્રમો ની સંસ્કૃતિ એક થઇ ગઈ. દક્ષિણમાં ધકેલી દેવાયેલા અને રાજ કરતા બલિરાજા પાતાળમાં રાજ કરતા કહેવાયા. એક બીજાના ધર્મ પણ એક થઇ ગયા. એક બીજાના દેવો ને ભગવાન પણ એક થઇ ગયા. યજ્ઞો ઓછા થયા ને મંદિરો વધતા ગયા. દક્ષીણ ભારતમાં ગરમી વધારે પડે ત્યાં લાકડા સળગાવી યજ્ઞો કોણ કરતુ હોય ભલા? ત્યાં તો ભગવાન મંદિરમાં એ.સી માં રહેતો હોય. મધ્ય એશિયાની ઠંડીમાં આર્યો ને લાકડા સળગાવી રાખવા પડે. એટલે દરેકના ઘરમાં યજ્ઞ કુંડી રાખવી પડે. એમાં શેકીને ખોરાક ખાવાનો તે થયો હવન. એમાં પશુ પણ હોય ને અનાજ પણ હોઈ શકે. હવે મધ્ય ભારતની સખત ગરમીમાં પણ મુરખો લાકડા સળગાવી ભરઉનાળે ને ભર બપોરે પરસેવે રેબઝેબ થઇ, યજ્ઞો કરી, પ્રદુષણ વધારી, મોંઘા ભાવનું ઘી વેડફી, પુરાણી સંસ્કૃતિ સાચવવા દુખ વેઠી રહેલા જોઈ હસવું કે રડવું?
           
*હવે ડો સ્પેન્સર પહોચ્યા મોસ્કોથી ૫૦૦૦ માઈલ દુર ઉત્તરે આર્કટીક સર્કલની નજીકના ગામમાં. હવામાન સારું થયું પછી હજુ તો બીજા ૪૦૦ માઈલ ઉત્તર ધ્રુવ પ્રદેશ માં પહોચવાનું હતું. આર્કટીક સર્કલની અંદર ૧૨૦ માઈલ ચુ ચી લોકોનો એક નવ માણસોનો કેમ્પ હતો. એમાં રહેતો માણસ નેટીવ અમેરીક્ન્સના જીન્સમાં રહેલો માર્કર ધરાવતો હતો. ચુ ચી લોકોના હાથપગ ટૂંકા, ધડ પણ ટૂંકું. કેમ કે જેટલું બોડી સરફેસ ઓછું તેમ શરીરની ગરમી બહાર જવાના ચાન્સ ઓછા. આ હતા નેટીવ અમેરિકન, બ્રાઝીલીયન, માયન અને ઇન્કા લોકોના પૂર્વજો. રેન્ડીયર નામનું પ્રાણી આ લોકોનું જીવન. એનું માંસ ખાવાનું ને એના ચામડાના કપડા પહેરવાના. ઠંડી થી બચવા આખો દિવસ એક્ટીવ રહેવાનું. આખો દિવસ કઈને કઈ ખાયા કરવાનું ને પાણી કે કોફી કે પ્રવાહી પણ પીતાં રહેવાનું. હિમયુગ વખતે દરિયાના લેવલ નીચા જતા રહેતા જમીન ખુલ્લી થતા. સાયબેરીયાં ને ઉત્તર ધ્રુવ પ્રદેશ ને અલાસ્કા વચ્ચે રસ્તો ખુલ્લો થતા આ ચુ ચી લોકોના પૂર્વજો અલાસ્કા થઇ અમેરિકામાં આવી ગયા ફક્ત ૧૫૦૦૦ વર્ષ પહેલા. અને નોર્થ અમેરિકા થી સાઉથ અમેરિકા જતા થયા ૮૦૦ વર્ષ.
        
*તો આ હતું માનવ જાતનું મહાભિનીષક્રમણ, ગ્રેટ માઈગ્રેશન. છતાં આ હોમોસેપિયન માનવ સમૂહ પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં પહોચે તે પહેલા યુરોપના ઠંડા પ્રદેશોમાં નીનેન્ડરથલ નામના આપણાં પિતરાઈઓ રહેતા હતા. પણ હોમોસેપિયન વધારે હોશિયાર ને બ્રેન વાપરવાવાળા જીતી ગયા ને પેલા લોકોનો નાશ થઇ ગયો.
     
*તો ભાઈઓ હવે કોની સામે લડવાનું?
       છેતો બધા આપણાં ભાઈઓ જ.
       તો પછી લડીશું કોની સામે?
       હવે બીજા કોઈ છે જ નહિ, તો ભાઈઓ સામે જ લડવાનું ને?      

San Bushmen