“જગત જનની” The spirit of the valley, માં અંબા, માં દુર્ગા, માં કાળી….

“જગત જનની” The spirit of the valley,  માં અંબા,  માં દુર્ગા,  માં કાળી….

* ચીનના મહાન રહસ્યવાદી સંત લાઓત્સેએ તાઓ તેહ કિંગ નામનું અજોડ પુસ્તક લખ્યું છે.  “ખીણનો આત્મા ક્યારેય મરતો નથી. નિત્ય છે. એને સ્ત્રૈણ રહસ્ય કહે છે. આ સ્ત્રૈણ રહસ્યમયીનું દ્વાર પૃથ્વી અને સ્વર્ગનું મૂળ સ્ત્રોત્ર છે. એ સર્વથા અવિચ્છિન્ન છે. એની શક્તિ અખંડ છે. એનો ઉપયોગ કરો અને તેની સેવા સહજ ઉપલબ્ધ થાય છે”.

*જેનો જન્મ છે, એનું મૃત્યુ નક્કી જ છે. મ્રત્યુની પાર એજ જઈ શકે જેનો જન્મ ના હોય. પ્રકાશ જન્મે છે અને મટી જાય છે. પરંતુ અંધકાર શાશ્વત છે. દીવો પ્રગટે છે અંધકાર ત્યાજ હોય છે, ફક્ત દેખાતો નથી. દીવો હોલવાઈ જાય છે અંધકાર પોતાની જગ્યાએ. એટલે લાઓત્સે કહે છે ખીણનો આત્મા મરતો નથી. ખીણ બે પર્વતની વચ્ચે દેખાય છે. પર્વત ના હોય તો પણ ત્યાજ હોય છે. ફક્ત દેખાતી નથી. અંધારું પણ ત્યાજ હોય છે, ખાલી દીવા પ્રગટે એટલે છુપાઈ જાય છે. આનેજ લાઓત્સે કહે છે The female  mystery thus do we name. આ સ્ત્રૈણ રહસ્ય ખીણનું રહસ્ય છે, જે અસ્તિત્વમાં ઊંડે સુધી વ્યાપ્ત છે.

*દુનિયાના પ્રાચિનતમ ધર્મોએ પરમાત્માને સ્ત્રીના રૂપમાં માન્યો છે, પુરુષના રૂપમાં નહિ. જગત જનની માં અંબા , દુર્ગા, કાળી, આ બધા પરમાત્માના રૂપ હતા. એમની સમજમાં ગહેરાઈ હતી, પરમાત્માને પરમ પિતા માનવાવાળા કરતા. જેમ જેમ પુરુષોનો પ્રભાવ વધવા લાગ્યો ઈશ્વરની જગ્યાએ પુરુષોને બેસાડ્યા. ગોડ ધ ફાધર એ નવી વાત છે. ગોડ ધ મધર એ પ્રાચીન વાત છે.. પ્રાણી કે પક્ષી જગતમાં પણ માતા નિશ્ચિત હોય છે, જયારે પિતા કોઈ પણ હોઈ શકે. પ્રકૃતિ પિતાનું કામ બાળકના જન્મ માટે ગહેરાઈથી નથી લેતી. એક સ્પર્મ ઇન્જેક્ટ થઇ ગયું કામ પિતાનું પૂરું. ગહેરું કામ તો માતાનું છે. સૃજનાત્મક કામ તો માતાનું છે. જન્મ આપવાનું કામ એટલું બધું ક્રિએટીવ છે કે પછી સ્ત્રીને માતાને  કોઈ નાના ક્રિએટીવ કામમાં રસ હોતો નથી. એટલે પુરુષ ચિત્રો બનાવે, મૂર્તિ બનાવે, ગીત લખે, સંગીત બનાવે, નવી નવી શોધો કરે. સ્ત્રીઓ રસોઈ કરે પણ સારા નવા વ્યંજન તો પુરુષ જ શોધે. ગણિત શોધે, વિજ્ઞાન શોધે. એક માં બન્યા પછી, એક બાળક પેદા કર્યા પછી સ્ત્રીને કશું બનવામાં ખાસ રસ હોતો નથી. એક પરમ તૃપ્તિ. પ્રકૃતિએ સ્ત્રીને સૃજનના સ્ત્રોત્ર તરીકે પસંદ કરી છે. લાઓત્સેનું સ્ત્રીના શરીરમાં રહેલું રહસ્ય સમજાશે તો અસ્તિત્વમાં રહેલું સ્ત્રૈણ રહસ્ય સમજાશે. લગભગ બધા શાસ્ત્રો પુરુષોએ રચેલા છે. અને પુરુષને કદી સ્ત્રી સમજમાં નથી આવતી. સમથીંગ મિસ્ટીરીયશ. સ્ત્રીના પેટે જન્મે છે, જીવે છે સ્ત્રી સાથે છતાં કૈક છૂટી જાય છે સ્ત્રીને સમજવામાં. એજ તો ખીણનું,અંધકારનું સ્ત્રૈણ રહસ્ય.

*સ્ત્રી ખરેખર સંપૂર્ણ સ્ત્રી હોય તો પ્રેમમાં પડે તો પણ પ્રતીક્ષા કરે છે. પહેલ ક્યારેય ના કરે.  હાજરી માત્રથી આકર્ષિત કરવાનું કામ સ્ત્રીનું છે. જરાપણ ઈશારો ના મળે કે પ્રેમમાં પડી છે. આજકાલની પુરુષ સમોવડી બનતી જતી સ્ત્રીઓની વાત નથી. સ્ત્રીનું આકર્ષણ ઇનએક્ટીવ હોય છે, બોલાવે છે પણ અવાજ નથી, હાથ ફેલાવે છે પણ હાથ દેખાતા નથી. પ્રાર્થના પણ પુરુષે જ કરવી પડે. ઘૂંટણીયે પડી ને કહેવું પડે કે Will you merry me? પુરુષ ના કહે એટલે નાં જ સમજવું જયારે સ્ત્રી ના કહે તો હા સમજવું. સ્ત્રી હા કહે તો એ પુરુષની ભાષા છે. એટલું પણ આક્રમણ લાગે છે. છીછરી લાગશે. નાં પાડે છે અને બોલાવે છે યહી તો રાજ હૈ.

*એ ભ્રાંતિમાં પુરુષ ના રહે કે સ્ત્રી કશું કરતી નથી. એનો ઢંગ નિષેધાત્મક છે. પેસીવ છે. નિષેધ એની તરકીબ છે. સ્ત્રી સેક્સમાં પણ પેસીવ છે. એટલે સ્ત્રી પર ભાગ્યેજ બળાત્કારનો ગુનો દાખલ થાય છે. અમેરિકામાં સ્ત્રીઓ એક્ટીવ બનતા આવા ગુના સ્ત્રીઓ પર દાખલ થયા છે. ભારતીય સ્ત્રી સ્કુલ ટીચર્સ પર અમેરિકામાં આવા ગુના દાખલ થયા છે, છે ને નવાઇ ની વાત!! સ્ત્રીના વ્યક્તિત્વમાં બળાત્કાર અસંભવ છે. બળાત્કાર તો પુરુષ કરે છે. સોમાં થી નેવું વખત પુરુષ બળાત્કાર જ કરતો હોય છે. ઘરમાં પણ. પત્ની ચુપ છે , કર્તવ્ય છે ભલે એની જરાપણ ઈચ્છા ના હોય. પુરુષ આક્રમક છે, સ્ત્રી ગ્રાહક, રીસેપ્ટીવ છે. પરંતુ સૃજન થાય છે સ્ત્રી થકી. પુરુષ સંયોગિક છે. એના વગર ચાલી જાય. સ્પર્મ બેંક હવે હાજર છે.

*જન્મ ગહન અંધકારમાં થાય છે. બીજ ફૂટે છે જમીનમાં ગહન અંધકારમાં, વ્યક્તિ જન્મે છે પહેલા માંના ગર્ભ રહેલા ગહન અંધકારમાં.  બાળકો પણ મોટા ભાગે રાત્રે જ જન્મે છે. દિવસે જન્મે છે પણ ઓછા. જીવન પેદા થાય છે ગહન અંધકારમાં. પુરુષ આક્રમક છે માટે જલ્દી થાકી જાય છે. આક્રમણ થકવી નાખે. સ્ત્રી જલ્દી થાકે નહિ. એક સંભોગ અને વાર્તા પૂરી. પુરુષ વૈશ્યા ના બની શકે .  હવે બનવા લાગ્યા છે પણ એની લીમીટ છે. સ્ત્રી બની શકે છે. વૈજ્ઞાનિકોએ પ્રયોગો કર્યા છે. પચાસ સંભોગ સુધી પછી આગળ છોડી દીધેલ. એ કશું કરતી નથી માટે થાકતી નથી. બાળકો પેદા થાય છે ત્યારે ૧૦૦ છોકરીઓ સાથે ૧૧૬ છોકરા પેદા થાય છે. કારણ પુરુષ ભલે બળવાન દેખાતો છે કમજોર, ૧૬ તો જવાનાજ ચૌદ વરસ થતા થતા. એક સ્ત્રી ૨૦ બાળકોને જન્મ આપે છતાં પુરુષ કરતા પાચ વરસ વધારે જીવવાની ક્ષમતા ધરાવે છે. સ્ત્રી બીમાર ઓછી પડે છે. આજે જે બીમારીઓ સ્ત્રીઓને લાગી છે એ સ્ત્રીઓની નથી. પુરુષોએ જે સમાજ બનાવ્યો છે એની શોધ છે. મેલ ડોમીનેટેડ સમાજમાં એને એડજસ્ટ થવું પડે છે. હિસ્ટીરિયા પુરુષોના સમાજમાં એડજસ્ટ થવા ને લીધે આવે છે.

*લોકો અને સ્ત્રીઓ પણ એવું સમજતી હશે કે સ્ત્રી કમજોર છે માટે પુરુષોએ દબાવી દીધી છે. અસલ વાત એ છે કે સ્ત્રી એટલી શક્તિશાળી છે કે પુરુષોએ એને દબાવી ના દીધી હોત તો એણે પુરુષોને દબાવી દીધા હોત. એ એટલી શક્તિશાળી સિદ્ધ થઇ શકે છે કે આખી દુનિયામાં બધેજ એને બચપણથી જ દબાવી દેવાના પ્રયત્ન શરુ થઇ જાય છે. ચીન માં નાનપણ થી એને લોખંડના જૂતા પહેરાવતા એના પગ સાવ નાના નાજુક રહી જાય. એ દોડી ના શકે, કોઈના સહારા વગર ચાલી પણ ના શકે. હવે જોકે ચીનમાં આ પ્રથા બંધ થઇ ગયી છે. પણ મેં જાતે ટીવીમાં ઉંમરલાયક ચીની સ્ત્રીઓના આવા વિકૃત થઇ ગયેલા પગ જોયા છે. ચાલી પણ ના શકે. પ્રકૃતિએ એને જન્મ આપવાની જવાબદારી સોપી છે, અને આ જવાબદારી એને સોપાય જે શક્તિશાળી હોય.

*લાઓત્સે કહે છે આ સ્ત્રૈણ રહસ્ય સમજી લો. આ ખીણના આત્માને સમજી લો. આ ખીણનો આત્મા કદી મરતો નથી, કદી થાકતો નથી. આ નકાર છે ન કરીને કરવાની કળા છે. વગર આક્રમણે આક્રમણ કરવાની કલા છે. આ સત્ય સમજીને જ કોઈ જીવનનું પરમ રહસ્ય સમજી શકે. પરમ સત્ય ઉપર આક્રમણ નથી કરી શકાતું. પુરુષની જેમ પરમ સત્ય નું રહસ્ય ના પામી શકાય. પરમાત્માને એ લોકો પામી શકે જે સ્ત્રૈણ રહસ્યને સમજી, પોતાને સંપૂર્ણ સમર્પિત કરી દે છે. જેમ કે સ્ત્રી પ્રેમમાં કશું કરતી નથી પોતાને છોડી દે છે જેથી પુરુષ એનામાં ઉતરી શકે તેમ જે પોતાના હૃદયના દ્વાર ખોલી ને ફક્ત ઉભો રહી જાય તેનામાં પરમાત્મા તરત પ્રવેશી જાય છે. ગમેતેટલા ભટકો, દુર દુર શોધો સાધનાઓ કરો, જન્મો જનમ ભટકો પરમાત્મા ના મળે. બુદ્ધ છ વર્ષ ભટક્યા, મહાવીર બાર વર્ષ ભટક્યા. થાકવા માટે ભટક્યા. જેવા થાક્યા ફક્ત ઉભા રહી ગયા, ને પામી ગયા. પુરુષની મનની વ્યવસ્થામાં રાહ જોવાનું છે જ નહિ. સ્ત્રી જન્મો જનમ રાહ જોઈ શકે છે. પુરુષને બધું ઇનસ્ટંટ જોઈએ, કોફી ઇનસ્ટંટ સેક્સ પણ ઇનસ્ટંટ, એટલે લગ્ન વ્યવસ્થા શોધી નાખી.  જયારે જોઈએ ત્યારે હાજર. માટે હિંદુઓ માં પુરુષોને વિધુર રાખવાની વ્યવસ્થા ના હતી, સ્ત્રીઓ માટે વિધવા રાખવાની વ્યવસ્થા હતી. આમાં સ્ત્રો પર બળજબરી તો હતી, સાથે સાથે સ્ત્રીઓની પ્રતીક્ષા કરવાની ક્ષમતાની સમજ પણ હતી. સ્ત્રી પર ભરોસો કરી શકાય, પુરુષ પર નહિ. કુંવારી છોકરીમાં જે સૌન્દર્ય હોય છે તે પ્રતીક્ષાનું હોય છે. એટલે સમાજોએ સ્ત્રીના કુંવારાપણ ની ચિંતા કરી છે, પુરુષના નહિ. એ સૌન્દર્ય લગ્ન પછી ખોવાઈ જાય છે અને ફરી પેદા થાય છે જયારે સ્ત્રી માં બનવાની હોય છે. ગર્ભવતી સ્ત્રીના મુખની સુંદરતા કઈ ઓર જ હોય છે. એક ગહન પ્રતીક્ષાનું સૌન્દર્ય છે. બાળકના જન્મની પ્રતીક્ષા. માં ને એના બાળક સાથે જે તાદાત્મ્ય હોય છે એટલું એના પતિ સાથે પણ હોતું નથી. આ મૌન પ્રતીક્ષામાં બે વાત બને છે, એક તો બેટાનો જન્મ થાય છે, સાથે એક માતાનો પણ જન્મ થાય છે. એટલે પૂર્વના દેશોએ પત્નીને નહિ પણ માતાને ચરમ આદર આપ્યો છે. પત્ની કે પ્રેયસી બનવું એ ચરમ ગરિમા નથી, માતા બનવું એ ચરમ ગરિમા છે. માતાને પરમાત્મા પછી તરતનું સ્થાન આપ્યું છે.

*માતા બન્યા પછી સ્ત્રી તૃપ્ત થઇ જાય છે. ગહન તૃપ્તિ. એમાં તે રાજી છે માટે એને વર્ષો સુધી ગુલામ તરીકે રાખી શક્યા છીએ. અતૃપ્તિ ખુબ મુશ્કેલી થી એનામાં પેદા થાય છે. બાયોલોજીકલ ગરબડ થાય તો જ એનામાં અતૃપ્તિ પેદા થાય. જે દિવસે એ બેચેન થાય તો એને ચેનમાં લાવવી મુશ્કેલ છે. સીધી પાગલ બની શકે છે. કાંતો શાંત, કાંતો પાગલ. પુરુષ મોટામાં મોટી શાંતિમાં પણ શાંત રહી શકતો નથી. નિત્સે બુદ્ધને વુંમનીશ સ્ત્રૈણ કહેતો હતો. જે મહાપુરુષો સ્ત્રૈણ રહસ્ય પામીને શાંત થઇ ગયા, બુદ્ધ, મહાવીર બધાને દાઢી મુછ વગરના બતાવ્યા છે. ચોવીસે તીર્થંકરોને દાઢી મૂંછ વગરના બતાવ્યા છે.  સ્ત્રૈણ એટલે સ્ત્રી ના સમજવું. કારણ રહસ્ય આ પરમ શાંત છે માટે પુરુષ નામ ના આપી શકાય. તેની ઉપસ્થિતિ ની કશી ખબર જ ના પડે. એટલે સાચી સ્ત્રી એ નથી જે એના પતિ કે પ્રેમી ને ચોવીસે કલાક તેના હોવાની ખબર આપ્યા કરે. પતિ ઘરે આવે પત્ની હજાર ઉપાય કરશે તેની હાજરી દેખાડવા. વાસણ પછાડશે, છોકરાઓને મારશે. પતિ પણ પૂરો ઉપાય કરશે છાપામાં મો ઘાલી ને કે તું ગમે તેટલી ધમાલ કર હું ક્યાં ધ્યાન આપું છું?

*આગળ લાઓત્સે કહે છે આ સ્ત્રૈણ રહસ્યમયી નું દ્વાર સ્વર્ગ અને પૃથ્વી નો મૂળ સ્ત્રોત્ર છે. ચાહે પદાર્થ નો હોય કે ચેતનાનો જન્મ થાય છે અસ્તિત્વ ની ગહેરાઈ માં. એટલે જે લોકોએ દુર્ગા, અંબા ને જગત જનની પરમાત્મા માન્યા છે એમની સમજ માં ઊંડાઈ છે. માતા કાળી ને જોઈ છે? વિકરાળ , હાથમાં ખપ્પર, પગ નીચે કોણ સુતું છે? બહુજ કલ્પનાશીલ હતા એ લોકો જેમણે આ પ્રતિક રચ્યું છે. જે સૃજનાત્મક છે એજ વિનાશક છે. સૃષ્ટિ જ્યાંથી પેદા થાય છે ત્યાંથી જ પ્રલય પામે છે. માતા જન્મ આપે છે એજ માતા વિકરાળ બની મૃત્યુ આપે છે.

*લાઓત્સે આગળ લખે છે આ રહસ્ય અવિચ્છિન્ન છે, શૂન્ય છે, અખંડ છે. દીવો હોલવાય અંધકાર હાજર જ છે. પુરુષ તોફાન ની જેમ આવે છે વિદાય થઇ જાય છે. પુરુષ પણ અંતિમ ક્ષણ સુધી સુંદર રહી શકે જો આ સ્ત્રૈણ રહસ્ય ને પામી જાય તો, માટે આપણે બુદ્ધ, મહાવીર, રામ, કૃષ્ણના ઘડપણના ચિત્રો બનાવ્યા નથી. લાઓત્સે કહે છે ભદ્ર રૂપે એનો ઉપયોગ કરો. એટલે તમે જેટલા ભદ્ર બનશો એટલા સ્ત્રૈણ બનવાના. જેટલા અભદ્ર એટલા પુરુષ.. કારણ અભદ્ર પુરુષ તરીકે વધારે સક્ષમ સેક્શુઅલી પણ દેખાશે. એટલે ફિલ્મો માં પણ રફટફ મસ્ક્યુલર નાયકો સારા ચાલી જાય છે. પુરુષ સ્ત્રીને અડકશે તોપણ એને દર્દ થાય તેમ અડકશે. હાથ જોરથી દબાવશે. ચુંબન પણ વધારે પ્રેમ થી આપશે તો કરડી ખાશે. નખ દંશ કરી લોહી કાઢશે. ક્યારેક વધારે પડતા પ્રેમમાં હત્યા પણ થઇ જાય. એવા દાખલા કોર્ટે ચડેલા પણ છે. એટલે લાઓત્સે કહે છે ભદ્રતા થી વહેવાર કરો અસ્તિત્વ ને જરાપણ પીડા ના પહોચે. આજ તો અહિંસા છે.

*અસ્તિત્વ ની સ્ત્રૈણ ગહેરાઈ માં, અખંડ શક્તિમાં થી બધું જન્મે છે અને બધું લીન થાય છે.  આજ  છે જગત જનની માં અંબા ભવાની, માં દુર્ગા, માં કાળી.

Ying Yang

About these ads