“માંસાહાર અને શાકાહાર”

માંસાહાર અને શાકાહાર.
*મિત્રો પ્રથમ તો આ લેખ વાચી કોઈ એમ સમજી ના લે કે હું માંસાહાર ની તરફેણ કરું છું. શાકાહાર સારો છે. હું ફક્ત કુદરતના, વિજ્ઞાનના ઇવોલ્યુશન અને ઇકોલોજીના નિયમોને ધ્યાનમાં લઈને વાત  કરવા માંગું છું. સત્ય જરા કડવું છે. અને આપણે દંભી બની ચુક્યા છીએ. પૂર્વગ્રહથી ભરાઈને આ લેખ વાચવાની તસ્દી નહિ લો તો ચાલશે. તટસ્થ મન રાખીને વાંચશો  તો મજા આવશે. માંસાહારીને ગાળ દેશો તો પ્રથમ ગાળ શ્રી રામને પડશે. સીતાજી સાથે ચૌદ વર્ષ જંગલમાં કોઈ ખેતી કર્યાનું જાણ્યું નથી. એકલો ફળાહાર પણ નથી કર્યો.  હરણના શિકાર કરીને જ ખાધું છે ને હરણાંના  ચામડાના વસ્ત્રો પહેર્યા છે. આને માટે વાલ્મીકિનું અસલ રામાયણ વાંચી લેવું. જે બાવાઓ ફળાહાર કરે છે, ને એના ગુણગાન ગાય છે એ પુષ્કળ દૂધ પી ને પરોક્ષ રીતે માંસાહાર કરી લે છે. ફક્ત ફળ ખાઈને પ્રયોગ કરી લેવો, દૂધ જરાપણ નહિ અનાજ કે કઠોળ પણ નહિ પછી લંકા જીતવા જવા વિનંતી છે.
*ઘણા મિત્રો કહે છે અમેરિકાની સંસ્કૃતિના વાદે ભારતમાં લોકો માંસ ખાય છે. અમેરિકામાં માણસને ગયે ૧૫૦૦૦ વર્ષથી વધારે થયા નથી. અને યુરોપમાં માણસને ગયે ૪૪૦૦૦ વર્ષ થી વધારે થયા નથી. આફ્રિકાથી માનવી મિડલ ઈસ્ટ થઇ પહેલો ભારતમાં આવ્યો છે. પહેલી સંસ્કૃતિ અહી વિકસી છે. શ્રી રામજીને અમેરિકનોએ માંસ ખાતા શીખવેલું?  ભારત તો પહેલાથી માંસ ખાતું આવ્યું છે. કે પછી દુનિયાને આપણે શીખવાડ્યું? ભારતમાં ખાલી ગુજરાતમાં જ માંસાહારનો વિરોધ છે. ગુજરાત સિવાય આખા ભારતમાં માંસાહાર આરામ થી કરાય છે. ગુજરાતમાં પણ ક્યાં નથી ખવાતું?  આમાં મુસલમાનોને ગણતરીમાં લીધા નથી.
*મિત્રો જીવ તો વનસ્પતિમાં પણ છે જ. તમે વનસ્પતિને પાણી પાવા જાવ તો એ પણ ખુશ થાય છે ને હાથમાં હથિયાર લઇ કાપવા જાવ તો એ પણ ફફડી ઉઠે છે. પણ એ જોવાની દ્રષ્ટી ક્યાંથી લાવવી? જગદીશ ચંદ્ર બોઝ ક્યાં ગયા?
*ભગવાને કે કુદરતે એક ફૂડ ચેઈન બનાવી છે. વનસ્પતિ પુષ્કળ  ઊગ્યા કરે તો પૃથ્વી એનાથી છવાઈ જાય. માટે વનસ્પતિ ખાવાવાળા જીવ બનાવ્યા. પછી એના કંટ્રોલ માટે એ વનસ્પતિ ખાવાવાળા પ્રાણીઓ ને ખાવાવાળા જીવો બનાવ્યા. વનસ્પતિમાં બધાજ પોષક તત્વો છે જ. એટલે ગાય, ભેંસ, હાથીભાઈ, ગેન્ડાભાઈ બધા વનસ્પતિ ખાઈ ને શરીરનું પોષણ કરે ને તાકાત મેળવે. આ વનસ્પતિમાંથી મેળવેલા તત્વોમાંથી એમના શરીરનું માંસ બને. હવે આ લોકો પણ અતિશય વસ્તી વધારો કરે તે ના પોષાય, માટે કુદરતે કેટ ફેમીલીના વાઘ, સિંહ, ચિત્તા, દીપડાને બીજા વરુ જેવા પ્રાણીઓ બનાવ્યા. કે ભાઈ તમારે હવે ઘાસ ખાવાની જરૂર નથી. ઘાસ ખાઈને જે પ્રાણીઓએ એમના શરીર પર માંસ ચડાવ્યું છે એનેજ સીધુ જ  ખાઈ લો ને પોષણ મેળવી લો. પક્ષીઓમાં પણ આ પ્રમાણે સમજવું. હવે કેટલાક પ્રાણીઓ એવા બન્યા કે બંને ખાઈ શકે ઉભયઆહારી. વાંદરા, એપ્સ જેવા કે ચિમ્પાન્ઝી વગેરે ફળો પણ ખાય ને નાના જીવડા ખાઈ ને પ્રોટીન મેળવી લે. એક જીવ બીજા જીવને ખાય ને વસ્તી આ રીતે કંટ્રોલમાં રહે ને પોષણ પણ મેળવાય. આમ કાર્નીવોરસ, હર્બીવોરસ અને ઓમ્નીવોરસ એમ ત્રણ પ્રકાર થયા. કાર્નીવોરસ ફક્ત માંસ જ ખાય, હર્બીવોરસ ફક્ત ઘાસ ખાય અને ઓમ્નીવોરસ માંસ, સલાડ અને ફળો ખાય. ઓમ્નીવોરસ પણ ઘાસ પચાવી શકે નહિ તે યાદ રાખવું.
*કુદરતના રાજમાં ના તો હિંસા છે ના તો અહિંસા. બધા જીવવા માટે ખાય છે. કોઈ હિંસા કરતુ નથી. હવે ઘાસ ખાનારા પ્રાણીઓ પાસે અલગ પ્રકારનું પાચન તંત્ર છે. ગાય ને ભેંસ જેવા ઘાસાહારી પ્રાણીઓ પાસે ચાર જઠર હોય છે. અથવા ચાર ભાગ વાળું જઠર પણ કહી શકાય. આપણી પાસે ફક્ત એક જ છે. એક વાર ઘાસ ખાઈ લેવાનું એ એક જઠરમાં જાય, પછી જઠરમાંથી પાછું કાઢી  નિરાતે બેસીને વાગોળવાનું એ બીજા જઠરમાં જાય.  ઘાસ પચાવવા માટે ખાસ પ્રકારના બેક્ટેરિયા એમના જઠરમાં હોય જે ઘાસ ને ખાઈને  તોડી નાખે. એટલા માટે કઠોળ વર્ગનું રજકા જેવું ઘાસ વધારે ખવાઈ જાય ત્યારે બેક્ટેરિયાના લીધે ગાયના પેટમાં આથો આવી જાય ત્યારે પુષ્કળ ગેસ પેદા થાય છે ગાય ફૂલી ને ઢમ ઢોલ થઇ જાય છે. ખેડૂતો એને આફરો ચડ્યો એવું કહે છે. અને ગાય મરી પણ જાય માટે ગાયના પેટમાં જઠરમાં બહાર થી કાણું પડી ગેસ કાઢવાની વિધિ વેટરનરી ડોક્ટર કરે છે. તમારા પેટમાં આવી રીતે બહારથી કાણું ના પડાય મરી જવાય. આપણી પાસે ઘાસ ખાનારા પ્રાણીઓની જેમ ચાર જઠર ને જરૂરી બેક્ટેરિયા નથી. આપણે ફળો ખાઈ શકીએ, રાંધીને શાકભાજી ખાઈ શકીએ, રાંધીને ઘઉં ખાઈ શકીએ. કાચા ઘઉં ખાઈએ  તો  ઝાડા થઇ જાય. ઘાસ ખાઈ એ તો ઝાડા થઇ જાય. વાઘ ને સિંહ પાસે ચાર જઠર નથી ને જઠરમાં જરૂરી બેક્ટેરિયા પણ નથી, જલદ પાચક રસો છે, એસીડ જેવા જે માંસને ઓગળી નાખી ને સીધું પોષણ મેળવી આપે છે. એમના આંતરડા પણ ટૂંકા છે. જરૂર નથી વધારે લંબાઈની. આપણે એપ્સમાંથી પેદા થયા છીએ માટે ફળો ની સાથે માંસ પણ ખાઈએ છીએ માટે આંતરડાની લંબાઈ વાઘ સિંહ   કરતા વધારે છે. છતાં ચાર જઠર ના હોવાના કારણે ઘાસ ખાઈ શકતા નથી. માંસ ખાઈ શકીએ છીએ કારણ જલદ પાચક રસો આપણી પાસે છે. માનવ કાચું માંસ પચાવી શકે પણ ઘાસ ના પચાવી શકે. જે મિત્રો હાથી ભાઈ ને ગેંડા ભાઈના ઉદાહરણો આપે છે એ મિત્રો એ ઘાસ ખાવાનું ચાલુ કરી દેવું જોઈએ, પણ એમના જેવા જઠર ક્યાંથી લાવશો?
*ચિમ્પાન્ઝી જેવા એપ્સ આપણાં પૂર્વજો છે. એમના ટોળાંની ખાસ હદ જંગલમાં  હોય છે, એ  હદમાં બીજા ટોળાંના ચિમ્પાન્ઝી ચોરી છુપીથી ઘુસી જાય ત્યારે એ લોકો પર હુમલો કરી હાથે ચડેલા ચિમ્પાન્ઝી ને બીજા ચિમ્પાન્ઝી ખાઈ જઈને એક્ષ્ટ્રા પ્રોટીન મેળવી લે છે. માદા ચીમ્પને બચ્ચું જન્મવાનું હોય ત્યારે પ્રથમ પાચ કે દસ મિનીટ એની માએ તાજા જન્મેલા બચ્ચાને સાચવવું પડે, નહીતો એની ટોળીના બીજા ચિમ્પાન્ઝી ઝૂંટવી ને ખાઈ જાય છે. એનાથી એક્સ્ટ્રા પ્રોટીન મળે ને વસ્તી કંટ્રોલમાં રહે. દસ મિનીટ વીતી જાય પછી એજ ટોળું એ બચી ગયેલા  બચ્ચાને આખી જિંદગી જીવ ની જેમ સાચવે, જે ઘડી પહેલા એનું ભક્ષણ કરવાની રાહ જોતું હતું.
*કોઈ પણ ખોરાક પોતાનામાં ખરાબ નથી. ખરાબી છે તેનો તમે કઈ રીતે અને કેટલા પ્રમાણમાં ઉપયોગ કરો છો તેમાં. કોઈ ખોરાક સાત્વિક છે અને કોઈ તામસિક એવું કશું હોતું નથી. ખોરાકમાં હોય છે ફક્ત ન્યુટ્રીસંસ, પોષક તત્વો, વિટામિન્સ, ખનીજ, ફેટ, કારબોહાઈડરેટ્સ, સુગર અને પ્રોટીન્સ અને બીજા અનેક તત્વો પછી એમાં વનસ્પતિજન્ય હોય કે માંસાહાર હોય બધામાં પોષક તત્વો જ હોય છે. માંસાહાર ને માંસાહારી  પ્રત્યે એટલો દ્વેષ રાખવાની જરૂર નથી. શાકાહાર સારો છે, ઉત્તમ છે. માંસાહારથી થતા રોગોમાંથી બચી જવાય છે. અતિશય વજન વધતું નથી. વધારે વજનથી થતા રોગોમાંથી પણ બચી જવાય. કહેવાતા શાકાહારીઓના જેમના વજન વધારે છે એ લોકો ઘી, દૂધને ચીઝ  જેવા પ્રાણીજન્ય આહાર કરે છે. પરોક્ષ રૂપે માંસાહાર જ કહેવાય.  દરેક ખોરાક એના પ્રમાણ સર લેવાનો હોય એમાં ખોરાકનો શું વાંક?
ભાજીમુલા પણ વધારે ખાય જઈએ તો હાની કરે. જે ઘી દૂધ ને તમે સાત્વિક ગણો છો એમાં ગાય કે ભેસની ચરબી જ ભરેલી છે. ઘી તો શુદ્ધ ચરબી જ છે.  એના શરીરમાં રહેલી ચરબી એના બચ્ચાના પોષણ માટે દૂધમાં બીજા તત્વો સાથે ભળે છે. અને એપણ જેતે પ્રાણીના બચ્ચા માટે કુદરતે બનાવેલ છે નહિ કે માણસ માટે. આપણાં શરીરનું બંધારણ એના માટે યોગ્ય નથી. આપણાં માટે આપણી માનું દૂધ જ યોગ્ય છે. આપણે માનું દૂધ હવેના બાળકો માટે જુજ રહેવા દીધું છે, ફિગર બગડી ના જાય માટે અને ગાય ભેસના દૂધ એમના બચ્ચાઓના મોમાંથી છીનવી આપણાં બાળકોના શરીરના કામના નથી છતાં આપીએ છીએ, રે હિંદુ તારી અહિંસા. દરેક પ્રાણીના બચ્ચા ચોક્કસ માર્યાદિત સમય પુરતા જ દૂધ પીવે છે. આપણે મુર્ખાઓ માનું દૂધ પુંરતું પીતા નથી અને પ્રાણીઓના દુધ હમેશા મરતા લાગી પીએ છીએ. સાત્વિકનું લેબલ જો લાગ્યું છે. આખી જીંદગી દૂધ પીતા રહેવાની શી જરૂર છે સંતો? આતો સરાસર હિંસા છે. કોઈ પ્રાણી જેવા કે વાઘ સિંહ કે ગાય ભેસ આવે અને માણસ જાતની સ્ત્રીનું બચ્ચું ધાવતું હોય તેને બળપૂર્વક ખસેડી લે અને તે સ્ત્રીનું દૂધ ધાવી જાય તો? સંતો કલ્પના કરો આને શું કહેવાય? ઘીમાં હાનીકારક કોલેસ્ટ્રોલ સિવાય છે શું? એને તમે સાત્વિક કહો છો. આજની પેઢીના લોકો ને ખબર પણ નથી કે માનવી સ્ત્રી પણ ત્રણ ચાર વર્ષ લાગી દૂધ આપી શકે છે. જુના જમાનાના કોઈને પૂછી જો જો. બહારથી રમીને દોડતા આવીને માંને કહે  “માં બેસી જા મારે ધાવવું છે”. અત્યારની  મોર્ડન પેઢી કમનસીબ છે એ બાબતે.
આપણે કુદરત આગળ એક બુદ્ધિશાળી પ્રાણીથી વિશેષ કશું નથી. ઘણા મિત્રો માને છે કે માંસાહારથી બુદ્ધી બગડે તો પછી દલાઈ લામાને બુદ્ધી  વગરના કહીશું?  માંસાહારી દલાઈ લામાને દંભી જૈનો પાલીતાણા બોલાવી સન્માન કરે છે.  જે દેશો બૌદ્ધ ધર્મ પાળે છે એ લોકો ભયંકર માંસાહારી છે. દુનિયાના કોઈ પણ પ્રાણી કે જીવ જંતુ  ખાવા માટે બાકી નહિ રાખતા હોય. એટલા ભયંકર  માંસાહારી તો યુરોપ અમેરિકાના લોકો પણ નથી. મહાભારતમાં યુધિષ્ઠિરે  રાજસૂય યજ્ઞ કરેલો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે એંઠી પતરાળી ઉઠાવેલી એ વારતા ખુબ ચગેલી છે પણ એ પતરાળીઓમાં બ્રાહ્મણોએ હરણનું માંસ ખાધેલું હતું, આ સાચી વાતો આપણા કથાકારો છુપાવે છે. શ્રી બક્ષીબાબુએ આનો ઉલ્લેખ “વાતાયન” માં કરેલો, બક્ષીબાબુ સાચા ને બડકમદાર એટલે કોણ બોલે?  આ બધા માંસાહારીઓ ની બુદ્ધી બગડેલી હશે? સ્વામી સચ્ચિદાનંદ લખે છે કે જાપાનીઓ ભયંકર માંસાહારી છે છતાં નાનું છોકરું એની દુકાને જાય તો પણ કદી ચીટીંગ ના કરે, પુરા ઓનેસ્ટ. અને આપણે શાકાહારીઓ કોઈનું ખીસું કાતરતા જરાય શર્મ ના આવે. માછલા ખાતા કવિવર રવીન્દ્રનાથની બગડેલી બુદ્ધિએ ગીતાંજલિ જેવું હાઇલી ફિલોસોફીકલ કવિતાઓ ધરાવતું પુસ્તક આપ્યું.  માછ્લામાં ઉત્તમ એવું ઓમેગા ૩ હોય છે. ગરીબ માછીમારો મોંઘીદાટ  બદામો ખાઈ શકવાના નથી. એમને માંછલામાંથી મફતમાં મળતો ઓમેગા-૩નો પુરવઠો ધર્મના નામે બંધ કરાવનાર ગુરુઓ બુદ્ધિહીન છે. મિત્રો શાકાહાર  કરતા હોવ તો શાકાહાર જ કરતા રહો. સારી વાત છે. સીધી હિંસામાંથી બચી જવાય. પણ કોઈ માંસાહાર કરનાર ને એવા ભાવથી ના જોશો કે એ નર્કમાં જવાનો છે. જશે તો શ્રી રામ ને ટાગોરશ્રીની કંપની એને મળવાની જ છે. હું કોઈ માંસાહારની તરફેણ કરતો નથી.એટલું જ કહું છું કે જે ખાવું હોય તે ખાઈએ પણ બીજા પ્રત્યે દ્વેષ ના રાખીએ
*કેટલાક ઉત્તમ પ્રકારના પ્રોટીન્સ એમીનો એસીડ્સ શાકાહારમાં છે જ નહિ ભલે તમે સોયાબીન જેવા સૌથી વધારે પ્રોટીન ધરાવતા કઠોળ ખાવ. એના માટે તમારે દૂધ પીને પૂર્તિ કરવી પડે, અથવા એના અભાવમાં જીવવું પડે. વાઘને સિંહ  હિંસક નથી. ભગવાને એમને ઘાસ પચાવે એવું જઠર જ નથી આપ્યું. શું કરે બિચારા. ભૂખ વગર એ કોઈને ફાડી ખાતા નથી. અને આપણે શાકાહારીઓ ભાજી ખાઈને વગર કારણે હિંસા ઓછી કરીએ છીએ? આપણા અહિંસક આશ્રમોના સેકસુઅલ અને તાંત્રિક કૌભાંડો હિંસા નથી? માંસાહાર ને ગાળો દેવાને બદલે જરૂર છે હકારાત્મક અભિગમની. ના તો  માંસ ખાઈને બુદ્ધી બગડે છે ના તો એકલા શાકાહાર થી બુદ્ધી સુધરે છે. માંસાહાર થી બુદ્ધી બગડતી હોત તો આપણા સિવાય બધા પાગલ ગાંડા હોત આખી દુનિયામાં. કોઈ એક વસ્તુને સતત દ્વેષ ભાવથી વખોડ્યા કરવી એ પણ હિંસા, સુક્ષ્મ હિંસા જ કહેવાય. સાયંસ કહે છે, ૨૫ લાખ વર્ષ થયા માણસ ને પેદા થયે પૃથ્વી પર, પાંચ લાખ વર્ષ ઝાડ પર રહ્યો, ૨૦ લાખ વર્ષ થયા ઝાડ પરથી નીચે ઉતરે, ૨૫ લાખ વર્ષથી તે આજ સુધી ફળફળાદી અને માંસ ખાતો આવ્યો છે અને ગાય ભેસ લાખો વર્ષોથી ઘાસ જ ખાય છે, અને વાઘ સિંહ માંસ. સૌ સૌના જઠર પ્રમાણે ખાય છે. માંસ ખોટું જ હોત તો આદિમાનવ પુછવા ના જાત કે હું શું ખાઉં? એ કુદરતી જીવન જીવતો ક્યારનોએ માંસ ખાવાનું બંધ કરી દેત.