![images[4]](https://raolji.com/wp-content/uploads/2010/02/images4.jpg?w=474)
*એટલે સવારમાં શ્રીમતી પથારીમાંથી જાગ્યા ને કહે આ સમય સૂચક યંત્ર બગડ્યું લાગે છે. એની પોષણ લાકડી અંદરથી બદલી નાખજો. પહેલા તો હું ચમકી ગયો. સમય સૂચક યંત્ર તો સમજાય ગયું. પણ પોષણ લાકડી? તો કહે બુદ્ધુજ છો અંદરનો સેલ બદલો વરસ થઇ ગયું એટલે એની શક્તિ(ડીસ્ચાર્જ) પૂરી થઇ લાગે છે. મેં કહ્યું ઓ.કે. ..તો કહે ઓ.કે નહિ બરાબર બોલવાનું. આતો સપડાયા. એકદમ સાલું ભાષાંતર યાદ પણ ના આવે. આતો સારું છે ભાઈ શૈલેષના દેવડા ગામની મુલાકાત લઇ આવેલો. એટલે વળી થોડું યાદ આવી જાય.
એટલામાં બુમ પડી કે દાંતે ઘસવાની લુગદી ખલાસ થઇ ગઈ છે. મેં કહ્યું અંદર સ્નાનકક્ષ માં રહેલી લાકડાની પેટીમાં વધારાની છે. થોડી વધારાની દાંત સાફ કરવાની પીછીઓ પણ છે. સસ્તી મુકેલી તો જથ્થા બંધ લઇ આવેલો. અહી ન્યુ જર્સીમાં અત્યારે ફેબ્રુઆરીમાં પણ બરફવર્ષા થાય છે. આ શનિવારે તો વાવાઝોડા સાથે ચારેક ઇંચ બરફવર્ષા થવાની છે. દિવસે પણ તાપમાન શૂન્ય કે ઓછા બે કે ત્રણ અને રાત્રે તો ઓછા દસ સુધી ઘણીવાર પહોચી જાય છે. એટલે તો અહી દરેકના ઘરમાં ઘરને ઉષ્ણ રાખવા માટેના યંત્રો હોય છે, ને જળ નળમાં સીધું ઉષ્ણ થઈને આવે તેવા લાયબંબા પણ હોય છે. એટલે શિયાળામાં અમે બધું જથ્થાબંધ ભરી લઈએ. અહી કોસ્કો નામની મોટી દુકાન છે. ત્યાં થી અમે વાળ ધોવાનો પ્રવાહી સાબુ, શરીર ધોવાનો સાબુ, નાની મોટી પોષણ લાકડીઓ, થીજવેલા શાકભાજી, ફળો, દૂધ વિગેરે લઇ આવીએ. અહી જોકે ભારતીય દુકાનોનું મોટું બજાર છે. ત્યાં પણ પટેલ ભાઈઓ(પટેલ બ્રધર્સ), પટેલ રોકડા આપો ને ઉચકી જાવ(પટેલ કેશ એન્ડ કેરી) નામની મોટી દુકાનો છે. ત્યાં થી તમને તૈયાર રાંધેલા પણ થીજવેલા(ફ્રોજન) ખોરાકના પડીકા મળે. જાતજાતના પરોઠા, સમોશા, કચોરી, ભજીયા, પાતરા, રોટલીઓ, થેપલા, ઢેબરા, સરસ રીતે કાપેલા શાકભાજી બધું થીજવેલું મળે. આ બધું લાવીને વીજળીથી ચાલતી ખોરાક ઠંડો રાખવાની મોટી લાંબી પેટીમાં ભરી દેવાનું( ખોરાક પ્રદુષણ અટકાવ યંત્ર).
*મારા સુપુત્ર યુવરાજસિંહને ભારત જવાનું હતું. એમણે અમને અમેરિકામાં પ્રવેશ અને રહેણાંકનો સંમતિસૂચક પત્ર(વિસા)મળ્યો એ દિવસે જ, વડોદરામાં અંગ્રેજી વરસના છેલ્લો દિવસ હતો ત્યારે રાત્રે અકસ્માત કરેલો ને પગના નળાનો દ્વીભાગમાં અસ્થિભંગ કરેલો. એ જરા દ્રાક્ષાસવ વધારે લેવાઈ ગયો હશે ને દ્વિચક્રી વાહન ઉપર હતા ને સામે ચારચક્રી વાહન જોડે સંગમ કરી બેઠા. એટલે હાડકાના વૈધરાજે અંદર કાટ ના આવે તેવા લોખંડનો સળીયો નાખેલો. એ બહાર કઢાવવા જવાનું હતું ભારતમાં. અમે ભારતમાંથી પાછા આવે ત્યારે લાવવાની વસ્તુઓની યાદી તૈયાર કરેલી. એમાં મારા માટે ખમીશ(શર્ટ) પાયજામાં(પેન્ટ), અન્ગુછા, અંતરવસ્ત્રો, મારા ધર્મ પત્નીને પૂજા માટે ગાયત્રી માતાની તસ્વીર, ભાખરવડી ને ચવાણાના પડીકાઓ, ચરણપાદુકાઓ, વિગેરેની યાદી હતી. અહીંથી પણ ભારતમાં સ્નેહીઓ માટે મોકલવાની વસ્તુઓ હતી. એમાં ખાસ તો અહીની અત્તરની શીશીઓ, દાઢી કરવાની ભારે દબાણ પૂર્વક ભરેલા તૈયાર ફીણની બાટલીઓ, આધુનિક અસ્ત્રા(રેજર)અને કાંડા ઘડિયાળો વિગેરે હતું.
*એટલે જલ્દી તૈયાર થવા માટે હું ગયો સ્નાનઘરમાં ને અહી શ્રીમતી ઘુસ્યા રસોઈ ઘરમાં. વાયુ સગડી પર ચા ને અલ્પાહાર તૈયાર કરવા. ત્યાં સુધીમાં સુપુત્રે દ્રશ્ય શ્રાવ્ય યંત્ર માં હવામાન જોઈ લીધું. હવાઈ જહાજ સમયસર હતું એ પણ જોઈ લીધું. બધો સમાન લઈને વીજળીરથ(ઇલેક્ટ્રિક ટ્રેન)માં તો જવાય નહિ. એટલે અમારા ચાર ચક્રી વાહનમાં જ જવાનું હતું. પાછા ફરતા મારે વાહન ચાલક ની જવાબદારી નિભાવવાની હતી માટે પથદર્શક યંત્ર(નેવિગેશન) પણ લઇ લીધું હતું. બસ થોડીવારમાં તૈયાર થઇ અમે નીકળી પડ્યા ન્યુયોર્કના હવાઈ જહાજ ઉડાન મથક પર જવા માટે.
નોધ:-દેવડા ગામના ઓટલાની મુલાકાત એ આ લેખ લખવાની પ્રેરણા બની છે. માતૃભાષા પ્રત્યેના પ્રેમ સાથે હાસ્યરસ પીરસવાની ભાવના જ માત્ર છે.