દ્રૌપદીને ૯૯૯ સાડીઓ, મૂર્તિએ દૂધ પીધું….

     *અમારા ન્યુ જર્સીમાં “તિરંગા ઇન ન્યુ જર્સી” નામનું એક સાપ્તાહિક ફ્રીમાં મળે છે. એમાં એક લેખ વાચ્યો. આમાં હું કોઈ તિરંગાની ટીકા કરવા નથી માંગતો. લેખમાં વાચ્યું કે નામદેવ વિઠ્ઠલને દૂધ પીવડાવે છે. વિઠ્ઠલની મૂર્તિ દૂધ પીવે ને પછી એ મૂર્તિ નામદેવને પણ દૂધ પીવડાવે છે. આજના જમાનામાં અને તે પણ અમેરિકામાં આવું બધું લખવાનું, મતલબ અહી આવ્યા પછી પણ ભારતીયોની માનસિકતા હજુ  બદલાઈ નથી. વર્ષો પહેલા અહી આવેલા ભારતીયો તો હાલના ભારતમાં રહેલા ભારતના લોકો કરતા પણ પછાત છે. ખાલી પૈસો વધ્યો છે. હાલના ભારતીયોને શરમ આવે એટલી હદે અહીના અમરીકન ભારતીયો અંધ શ્રદ્ધાળુ છે. એટલે તો બધા જ ધર્મોનાં કહેવાતા ઠેકેદારો   અહી દોટ મુકે છે. અહી મંદિરો બનાવી મબલખ કમાણી કરે છે.
      *બીજું આ લેખમાં વાંચ્યું કે ભગવાન શ્રી કૃષ્ણને વાગ્યું તો બધી રાણીઓ પાટા માટે દોડા દોડી કરવા લાગી પણ દ્રૌપદીએ સાડીનો છેડો ફાડી પાટો બાંધી દીધો. ભગવાને પછી પાટો ખોલી એના તાર ગણ્યા તો ૯૯૯ થયા. ભગવાન ત્યારથી જ ચિંતામાં હતા કે આ ઋણ ક્યારે ચુકવવું. આટલી બધી સાડીઓની વ્યવસ્થા માટે ક્યાં જઈશું? હવે પાછું અમદાવાદમાં મિલો પણ બંધ થઇ ગઈ છે. પેલો નારદ કહેતો હતો કે હવે સુરત સાડીઓ માટે ફેમસ થઇ ગયું છે. સુરત જ જવું પડશે. કોઈ હોલસેલના વેપારીને પકડીશું તો ઓછા ભાવે મળી જશે. અને ભગવાનની ચિંતા દુ:સાશને દુર કરી દીધી. ભગવાને ૯૯૯ સાડીઓ પહેરાવી દીધીને. દ્રૌપદીએ આભાર માન્યો તો કહ્યું કે એમાં શું થયું, આતો ઋણમાંથી મુક્ત થયો. હસવું એ વાતનું આવ્યું કે હું પોતે પણ નાનપણમાં જોએલા મુવીની અસરમાં લાંબો સમય એવું જ માનતો હતો કે ભગવાને સાડીઓ પહેરાવી હશે. ખોટી વાર્તાઓની અસર કેટલી બધી હોય છે. એમાય બાળકોના કુમળા મન ઉપર તો આ બધી વાતો જડાઈ જાય છે.
       *ફિલ્મોને ટીવીમાં દેખાડતા રેશમના જરિયન જામા ત્યારે ક્યાંથી હશે? રેશમની શોધ તો ચીનમાં થએલી. ભારતે કોટન કપડા બનાવી એને ભડકીલા રંગ ચડાવવાનું દુનિયા માં સૌ પ્રથમ શરુ કરેલું પણ ક્યારે? રામાયણ અને મહાભારત કાલમાં ચર્મના અને કંતાનના કપડા પહેરાતાં હતા. હરણના શિકાર થતા ને એના ચામડાના વસ્ત્રો પહેરતા. માંસ ખાવામાં વપરાતું ને ચામડું પહેરવામાં વપરાતું. સીતાજીને પણ સોનેરી ટપકા ધરાવતા હરણના ચર્મના વસ્ત્રો પ્રિય હતા.
       *બીજું ભગવાનને જાણે ઋણ માંથી મુક્ત થવાની ચિંતા વધારે લાગી. હવે એ ૯૯૯ સાડીઓ કયા જથ્થાબંધ માર્કેટમાંથી લાવ્યા હશે? બીજું સાડીઓ ખેંચતો હશે દુશાસન ત્યારે ક્લોક્વાઈજ ફરતા દ્રૌપદીને એન્ટી ક્લોક્વાઈજ સાડીઓ ભગવાને કઈ રીતે પહેરાવી હશે? ઘણા મહાભારત કાલ ને કલ્પના ગણાવે છે. એ પણ સત્ય નથી. માઈકલ વુડની સ્ટોરી ઓફ ઇન્ડિયા જુવો તો હસ્તિનાપુરના બાધકામના અતિ પ્રાચીન અવશેષો બતાવે છે, જમુના નદીએ વહેણ બદલાતા હસ્તિનાપુર નાશ પામ્યું હતું. બીજો પુરાવો દ્વારકાનો છે. અસલ દ્વારકા હિમયુગ પૂરો થતા દરિયાના પાણી ઊંચા આવતા દરિયામાં ડૂબી ગઈ છે. પુરાતત્વ ખાતું એ જમાનાની વસ્તુઓ ઊંડા દરિયામાંથી ખોળી લાવ્યું છે. શ્રી કૃષ્ણને  થયે ૫૦૦૦ વર્ષ થયા. ધોળાવીરા પણ એટલું જ જુનું છે. આખું સીટી કચ્છમાંથી મળ્યું છે.
         *વાર્તાઓ સ્થળને કાલ પ્રમાણે કહેવાય તો સારું. કાલ કૃષ્ણનો ને સાડીઓ સુરતની જરા અજુગતું લાગે છે. થયું એવું હશે કે કૃષ્ણ દ્રૌપદીને બહેન માનતા હતા. બહેનનું રક્ષણ કરવું ભાઈની ફરજ છે. જયારે દ્રૌપદીના વસ્ત્રાહરણનો કારસો રચાયો હશે ત્યારે કૃષ્ણ હસ્તિનાપુરમાં બીજે ક્યાંક બેઠા હશે. ગમે તેના દ્વારા એમને આ સમાચાર મળી ગયા હશે. અને એ દોડતા સભામાં આવી પહોચ્યા હશે. કૃષ્ણ રહસ્યમય વ્યક્તિત્વ ધરાવતા બળવાન પુરુષ હતા. એમનો ખુબ પ્રભાવ હતો. લોકો ડરતા પણ હશે. એમની પાસે એમની પોતાની શોધ એવું એક કાતિલ શસ્ત્ર હતું સુદર્શન ચક્ર. અને બધાને આ ક્ષણમાં હણી નાખતા રહસ્યમય ચક્રની બહુજ બીક લગતી હશે. એટલે સભામાં આવી બધાને ખુબ ખખડાવ્યા હશે. ધમકી પણ આપી હશે. ખાલી કૃષ્ણની હાજરી જ વસ્ત્રાહરણ બંધ કરવા પુરતી હ્તી. કૃષ્ણની હાજરીમાં એમની માનેલી બહેનનું વસ્ત્ર હરણ કરવાની હિંમત કોઈ કરે ખરું? એમાંના સભામાં પગલા પડ્યા હશે ને બધા બકરી બે થઇ ગયા  હશે.
          વાર્તાઓ કરવામાં કવિઓને કોઈ ના પહોચે.
         *પ્રોબ્લેમ એ થાય છેકે હમેશા કાલ્પનિક કથાઓ વાર્તાઓ સાંભળી સાંભળી ને પ્રજા કલ્પનાઓ માંથી વાસ્તવિક ધરતી પર આવતી જ નથી. કશું પણ થાય તો વિચારશે કે કોઈ કૃષ્ણ આવીને ચીર પૂરી જશે. જાતે સામનો કરવાની હિંમત જુટાવસે જ નહિ.

“કામદેવની જય હો” એડીક્શન…….

*માતબર ગુજરાતી દૈનિક દિવ્યભાસ્કરમાં સેક્સ એડીક્શન વિષે એક આર્ટીકલ આવ્યો છે. લેખકશ્રીએ મન ભરીને પરદેશીઓને વખોડ્યા છે. ભારતમાં ધર્મોને લીધે હજુ સેક્સ એડીક્શન કાબુમાં છે. એવું માનવું છે એમનું. આપણે કોઈ પંથ કે ધર્મને વખોડવો નથી. પરંતુ થોડી મનોવૈજ્ઞાનિક કડવી વાતોનો સામનો કરવો છે. હિંદુ ધર્મમાં બચપણમાં સન્યાસ આપવાનો કોઈ રીવાજ પહેલા ન હતો. બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને છેલ્લે સન્યાસ. આ એકદમ કુદરતી સાયકલ હતી. ગરબડ થવાનો સંભવ લગભગ નહીવત થઇ જાય. આમાં પ્રકૃતિના નિયમોનું પાલન અને રીસ્પેક્ટ હતું. આટલા બધા એડવાન્સ મેડીકલ સાયંસ વચ્ચે પણ માણસ ૧૦૦ વર્ષ થતા પહેલા ઉકલી જાય છે.  તો પહેલા મનેતો સંભવ લાગતું નથી, કે માણસ ૧૦૦ વર્ષ જીવતો હશે. છતાં માનીલો તો દરેક આશ્રમ પાસે ૨૫ વર્ષ ભાગે આવે. ૨૫ વર્ષ મોટા થવાનું, વિદ્યા મેળવવાની. ૨૫ વર્ષ લગ્ન કરી ફેમીલી વસાવવાનું, ને એનું પાલન કરવાનું. અને બીજા ૨૫ વર્ષ સંતાનોને આગળ કરી રીટાયર થવાનું. મતલબ ૫૦ વર્ષ તો પત્ની જોડે રહી ને સેક્સ ભોગવવાની છૂટ. પછી કોઈ રસકસ, રોમાન્સ કે ઉમંગ ના રહે એટલે સન્યાસ. જો આ પુરાના  હિંદુ ધર્મનું પાલન યોગ્ય રીતે કરવામાં આવે તો સેક્સ એડીક્શન લગભગ ના થાય.
*હવે હિંદુ ધર્મના ફાંટામાંથી કે વિરોધમાં થી છુટા પડેલા ધર્મોને લઇ ને બચપણમાંથી જ સન્યાસ લેવાનો કુરિવાજ દાખલ થયો. જે ૭૫ વર્ષ પછી કરવાનું હતું એ જ પહેલા કરી નાખવાનું. અપવાદ રૂપ કોઈ વિરલા એમાંથી પાસ થઇ જાય. પણ સામાન્ય જનનું કામ નહિ. એના માટે એક્સ્ટ્રાઓર્ડીનરી માનસિકતા જોઈએ. હવે ગરબડ શરુ થઇ. કરોડો વર્ષથી ચાલ્યા આવતા ઉત્ક્રાંતિના નિયમો જે જીન્સમાં ઘુસી ગયેલા હોય એતો કોઈને છોડે નહિ. એટલે સેકસુઅલ સ્કેન્ડલ ચાલુ થયા. સૌથી વધારે બ્રહ્મચર્યની વાતો કરવાવાળા, સૌથી વધારે સેક્સને ગાળો દેવાવાલા ભારતમાં સેક્સ સપ્રેસ્ડ થઇ ગયો. લોકોની નસેનસમાં સેક્સ વ્યાપી ગયો. આંખો, હાથ, જીભ, કાન બધામાં સેક્સ વહેવા માંડ્યો.
*કોઈએ ભીડમાં બિપાશા બસુના સ્તન પર હાથ ફેરવી લીધાના સમાચાર હજુ સુકાયા નહિ હોય. આ છે બ્રહ્મચર્યના ફાયદા. બસ કે ટ્રેનમાં મુસાફરી વખતે પુરુષની બાજુમાં બેસવા મળ્યું હોય તેવી છોકરીઓ કે સ્ત્રીઓના એમના અનુભવ વિષેના ઇન્ટરવ્યું લઇ જુવો. દરેક દેશમાં આવું રીસર્ચ કરી જુવો. પછી ખબર પડશે કે ભારતમાં કેટલું સેક્સ એડીક્શન છે. પરદેશીઓને ગાળો દઈને આપણી ભૂલોને ઢાંકવાના પ્રયાશો મહાદંભ છે. નાના બાળકોને બ્રહ્મચર્યના રવાડે ચડાવી સન્યાસ આપતા પંથોના સંતો એકાદ વર્ષની નાની બાળકીની હાજરી પણ સહન કરી શકતા નથી, આના સિવાય કોઈ મોટું સેક્સ એડીક્શન બીજું હોય ખરું? તિવારી તો રાજકારણી છે. કામના બદલામાં સેક્સના સોદેબાજોને માફ ના કરી શકીએ, પણ અમે પોતે કૃષ્ણ સ્વરૂપ કે કૃષ્ણ જ છીએ એવું ભરાવી ભક્તોની સ્ત્રીઓ ને દીકરીઓ સુધ્ધાનું સેકસુઅલ શોષણ કરતા બાવાશ્રીઓને મહારાજ્શ્રીઓની લુચ્ચાઈને સેક્સ એડીક્શન શું ઓછું કહેવાય?
*ભગવાન શ્રી કૃષ્ણ બચપણમાં ગોપીઓના વસ્ત્રો લઇ ઝાડ પર ચડી ગયેલા. આ વાર્તા તો બધાજ જાણે છે. ગોપીઓ નગ્ન બહાર આવી વસ્રો લઇ જાય તો નગ્ન ગોપીઓના સુંદર દેહ જોવા મળે. ના છુટકે ગોપીઓ બહાર આવવા લાગી. પણ ગુપ્ત અંગ પર હાથ ઢાંકીને. આ તો લોચો થયો. જે જોવું હતું તે જોવા ના મળે આવું કઈ ચાલે? કૃષ્ણે પાછી શરત કરી કે આમ તો વસ્ત્રો નહિ આપું. બે હાથ માથે મુકીને બહાર આવો તોજ વસ્ત્રો આપું. કથાકારો મોટે ભાગે આ છેલ્લી માથે હાથ મુકવાવાળી વાત ખાઈ જતા હોય છે. ભગવાને સાચે જ આવું કર્યું હશે તે તો ખબર નથી. પણ બાવાશ્રીઓ આવા ખેલ પાડતા હોય છે. એમાં જાહેર જનતાને પ્રવેશ હોતો નથી. ખાસ ઇનર સર્કલમાં આબધુ ભજવાતું હોય છે. આ થયું સેક્સ એડીક્શનનું ધર્મીકીકરણ.
*વચ્ચે અહી અમેરિકામાં એક ગુજરાતી માસિક ગુજરાત દર્પણ જે હમેશા મફતમાં જ મળે છે, એના તંત્રી સુભાષ શાહે પ્રશ્ન એમાં ઉઠાવેલો કે વૈષ્ણવ મહારાજો બ્રહ્મ સંબંધ આપે છે એમાં બધું કૃષ્ણને અર્પણ કરવાનું પછી વાપરવાનું, એમાં સ્ત્રી શબ્દ પાછળથી ઉમેર્યો લાગે છે. આના વિષે એમણે ઘણી બધી શાસ્ત્રોક્ત ચર્ચા કરેલી. એમાં કૃષ્ણ એટલે પેલા ઘરમાં નાના પિત્તળના કૃષ્ણ સાથે બાવાશ્રીઓ પણ સાથે આવી જાય. એટલે પેલા નાના પિત્તળના કૃષ્ણ પાછળ એમને નવડાવવા, ખવડાવવું, ઊંઘાડવા, ઉઠાડવા એમાંથી તમારે મોટા થવાનું જ નહિ. તમારો માનસિક વિકાસ ઠપ્પ. સાથે સાથે કૃષ્ણના સ્વરૂપો એવા બાવાશ્રીઓને રોજીરોટીની કોઈ ચિંતા નહિ. સુભાષ ભાઈનું કહેવું હતું કે સ્ત્રીઓ તો ભોગવેલી હોય તો એંઠું તો ભગવાનને થોડું ધરાવાય. મતલબ સ્ત્રી વસ્તુ થઇ ગઈ, ખાવાની એક ચીજ. મતલબ સ્ત્રી કાચી કુવારી કન્યા હોય ત્યારે જ ભગવાન એટલે બાવાશ્રીને ધરાવી દેવાની. પછી કૃષ્ણાર્પણ થઇ ચુકી હોય તો વાંધો નહિ. મેં સુભાષ ભાઈને પત્ર લખેલો કે મહારાજ્શ્રીઓને તમારી શાસ્ત્રોક્ત ચર્ચાથી કોઈ મતલબ નથી. એ લોકોને બધી ખબર જ છે. તમારી સ્ત્રીઓ ભોગવવા મળે માટે એમણે સ્ત્રી શબ્દ ઉમેર્યો છે. કડવી વાતો કોને ગમે? મને કોઈ જવાબ ના મળ્યો, નાતો મારો પ્રતિભાવ એમણે છાપ્યો. બીજો સવાલ મને એ થાય છે કે કૃષ્ણ તો ક્ષત્રીય હતા, યાદવ હતા. અને આ બધા વ્રજવાસી બ્રાહ્મણો એમના વંશજ કઈ રીતે થઇ ગયા? કે કૃષ્ણ સ્વરૂપ થઇ ગયા? હવે વિચારો જે ભારતીય પુરુષ પોતાની સ્ત્રીની સામે નજર કરનારની આંખો કાઢી નાખવા સુધી તૈયાર થઇ જતો હોય, પોતાની સ્ત્રી, બેન કે દીકરીની છેડતી કરનારનું ખૂન કરવા સુધી પહોચી જતો હોય, એજ ભારતીય માનસિકતા ધરાવતો પુરુષ ધાર્મિક બ્રેન વોશિંગના પુણ્ય પ્રતાપે પોતાની સ્ત્રી, બેન કે દીકરીને જાતેજ ગુરુશ્રીના ચરણમાં કે પથારીમાં મૂકી આવતો હોય છે. આ ધાર્મિક બ્રેન વોશિંગનો કેટલો બધો જબરદસ્ત પ્રભાવ હોય છે. તમારી વિચારવાની બારીઓ તમામ બંધ કરવી એ જ બ્રેન વોશિંગ.
*કોઈ વૈષ્ણવ ધર્મીએ ખોટું લગાડવું નહિ. આ બધી વાતો જગજાહેર છે, માટે ચર્ચા કરીછે. બધા બાવાશ્રીઓ આવું ના પણ કરતા હોય. અને જે કરતા હોય છે તે ખુબજ અંગત સર્કલમાં કરતા હોય છે માટે લોકોને ખબર ના પણ હોય. ખબર હોય તો કોઈ આવી વાત કઈ રીતે કરે? આતો પેલા લેખક્શ્રીએ ધર્મોને શાબાશી આપી છે માટે ચર્ચા કરી છે. આ બધા કોઈ સનાતન ધર્મો નથી. આશરે ૫૦૦ વર્ષ પહેલા ફૂટી નીકળેલા ભારતીયોને કાયર બનાવતાને માનસિકતા વિકૃત કરી નાખનારા વાડાઓ માત્ર જ છે. જોકે એમના મૂળ સ્થાપકોની દાનત સારી  હશે. પાછળ થનારી ગરબડોનો એમને કદાચ અંદાઝ પણ નહિ હોય. એટલે જ ગુરુ ગોવિંદસિંહે ગ્રંથ સાહેબને ગુરુ બનાવી પોતાના જાતેજ ગુરુપ્રથાનો અંત આણી દીધો. અને શુદ્ધ ગૃહસ્થ જીવન જીવવાનો આદેશ આપી અકુદરતી બ્રહ્મચર્યના કોન્સેપ્ટ ને જ રદ કરી દીધો.
*સેક્સ શિક્ષણ વિષય ઉપર વિશ્વમાં સૌ પ્રથમ પુસ્તક “કામસૂત્ર”રચનાર ઋષિ વાત્સ્યાયનના દેશમાં કોઈ પણ સ્ત્રી બસ કે ટ્રેનમાં બેસતા પહેલા નજર દોડાવે છે કે કોઈ સ્ત્રીની બાજુની સીટ ખાલી હોય તો સારું. ના છુટકે બેસવું પડે તો એને મુસાફરી દરમ્યાન થયેલા ગુપ્ત અનુભવોને કાયમ માટે મનના કોઈ ઊંડા ખૂણામાં એવા ધરબી દે છે કે કોઈને કદી ખબર જ ના પડે. એક છોડ ઉપર ફૂલ આવે ને પરાગનયન થઇ ફળ બેસે એને પણ સેક્સ જ કહેવાય હો કે !