અગ્નિપરીક્ષા.


……એક બાળક જન્મે છે,ત્યારે એની હાર્ડ ડિસ્ક કોરી હોય છે. એ જુએ છે, સાભળે છે, ચાટે છે, સ્પર્શ કરેછે, નકલ કરે છે અને ધીરે ધીરે એની હાર્ડ ડિસ્ક ભરાય છે, માહિતી બ્રેનમાં ભેગી થાય છે અને એ રીતે એનું ઘડતર થાય છે. એવી રીતે એક સમાજનું ઘડતર થાય છે, મોટા મહામાનવોના અચાર, વિચાર, વાણી, વર્તન, વ્યવહાર, આદેશો, ઉપદેશો થકી. અચેતન રૂપે બાળક જેમ વડીલો પાસેથી બધું શીખે છે તેમ સમાજના લોકોના અચેતન મનમાં મહાપુરુષોની અસર હોય છે. બધી મનોવૈજ્ઞાનિક બાબતો છે.

એક હંમેશનો સળગતો સવાલ છે ભારતમાં સ્ત્રીઓની અગ્નિપરિક્ષા લેવાતી ક્યારે બધ થશે? આપણાં પુરુષ પ્રધાન સમાજમાં સ્ત્રીઓને એક વસ્તુ સમજવાથી વિશેષ કશું નથી. દ્રૌપદીને એક વસ્તુ ની જેમ બધા ભાઈઓએ વહેચી ને ભોગવી, શું માતાશ્રી ને એવું ના કહી શકાય કે આ વસ્તુ નથી એક સ્ત્રી છે? શું માતુશ્રી એટલા નાદાન હતા કે નારાજ થઇ જાય? કે પછી માતુશ્રીએ પોતે જુદા જુદા પુરુષો થકી પુત્રો પ્રાપ્ત કરેલા એટલે એમાં કશું અયોગ્ય નહિ લાગ્યું હોય? કે પછી રીવાજ હશે? પણ સ્ત્રીને વસ્તુ થી મોટો દરરજો નહોતો. એટલે જુગારમાં બધું ખૂટ્યું તો વસ્તુની જગ્યાએ પોતાની પત્નીને મૂકી શક્યાં. એક કૃષ્ણ સિવાય આખા પૌરાણિક કાલમાં કોઈએ સ્ત્રીઓનું સન્માન કર્યું નથી. રામે પણ નહિ.

પોતાના એરિયામાં એક અસહાય, શારીરિક રીતે પોતાનાથી ઓછી શક્તિ ધરાવનાર સ્ત્રી ઉપર બળાત્કાર ના કરીને ફક્ત સમજાવટથી પોતાને તાબે કરવાના પ્રયત્નો કરનાર રાવણ આજકાલના ગેંગ રેપ કરનારા લોકો કરતા સારો હતો. પ્રિય પત્નીની અગ્નિપરિક્ષા લેવાય ગઈ હોવા છતાં ધોબી ભાઈના ટોણા થી તેને ઠપકો, કે સજા કરી સમાજમાં એક સારો સ્ત્રી સનમાનનો દાખલો બેસાડવાનો ચાન્સ ગુમાવી, તેના પેટમાં ટ્વીન્સ અને વાલ્મીકિને કદાચ ગાયનેક સુવાવડ શાસ્ત્રનું જ્ઞાન ના હોય તેના ભરોસે જંગલમાં છોડી, ભારત વર્ષની ભવિષ્યમાં જન્મ લેનારી તમામ સ્ત્રીઓને સદાય લેવાતી અગ્નિપરિક્ષાઓમા હોમી દેનાર મહાપુરુષ રામની કથાઓ  હજારો વરસો થી ભારતની પ્રજાના બ્રેન પર હથોડાની જેમ ઠોકાતી હોય અને એને વ્યાજબી ઠરાવવાના પ્રયત્નોમાં રોજ નવા બહાના શોધતા હોય, કે સીતાજી તો પતિનું ખરાબ નાદેખાય એટલે જાતે ગયેલા, એમનો પડછાયો હતો, આવી બાપુઓ અને ફિલ્મકારોની વ્યર્થ વાતો સમાજમાં ચાલતી હોય ત્યાં સ્ત્રીઓની અવદશા થવાનીજ.

લેટેસ્ટ સમાચારોમાં સ્ત્રીને શંકા થી જલાવી દીધાના, બળાત્કારોના, ગેંગ રેપના સમાચાર થી છાપાઓ ભરેલા હોય છે. રોજ નવા ફૂટી નીકળતા બાપુઓ, રોજ નવા રામાયણો, કોઈ કહે પ્રેમનું મહાકાવ્ય, અરે આતો શોકનું મહાકાવ્ય બની ગયું  છે. ધરતીમાં સમાય જવું , સરયુંમાં જળ સમાધિ આ બધા ફક્ત અને ફક્ત રૂપાળા શબ્દો જ છે આત્મહત્યા થી વિશેષ કશું નથી. નવા પરિક્ષેપ્માં કથાઓ કહેવાનો વખત છે, કે આ  બધી ભૂલો છે અને ફરી સમાજ દોહરાવે નહિ. ઈતિહાસના આ વર્સ્ટ દાખલાઓ છે. એને બેસ્ટ મનાવવાનું બંધ કરો. બાપુઓ, ગુરુઓ, અને મહારાજ્શ્રીઓ થી સમાજ ચેતે,  એમની વ્યર્થ, અવૈજ્ઞાનિક, વહેમોથી ભરેલી ખોટી દંભી વાતો ના માને  એવું થાય, અને આ બધી કથાઓ સમાજના લોકોના બ્રેન પર હથોડા મારવાનું બંધ નહિ કરે ત્યાં સુધી સ્ત્રીઓની અગ્નિપરિક્ષા લેવાનું બધ નહિ થાય.